Western Times News

Gujarati News

14 લાખની લૂંટ કરનારા બે શખ્સને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધા

પ્રતિકાત્મક

જામનગરની સોસાયટીમાં દિનદહાડે વેપારીનાં ઘરમાંથી ૧૪ લાખની લૂંટ-પોલીસે ગણતરીના કલાકોમાં જ પોરબંદરના બે શખ્સને પકડી લીધા

જામનગર, જામનગરમાં થર્ટી ફર્સ્ટ પર પોલીસના કડક ચેકિંગ વચ્ચે બે બુકાનીધારી ધોળાદિવસે રહેણાક વિસ્તારમાંથી ૧૪ લાખની લૂંટ કરી ગયા હતા. તારમામદ સોસાયટીમાં લૂંટારૂંઓએ મહિલાના મોઢે ડૂચો દઈ રૂ. ૧૪ લાખ ઉપરાંતની માલમત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે ગણતરીના છથી સાત કલાકમાં સઘન તપાસ થકી બે આરોપીને ઝડપી લીધા છે.

જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરુદ્દીનભાઈ અતરિયા દાઉદી વ્હોરા ગઈકાલે પોતાના કામથી બહાર ગામ ગયા હતા. આ સમયે તેમના પુત્ર અબ્બાસ ભાઈ મુસ્તફા બ્રાસપાર્ટના કારખાને ગયા હતા. બપોરે ૧૨.૨૦ વાગ્યાને તેઓના બંગલામાં બે અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘૂસ્યા હતા અને ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈના પત્ની ફરીદાબેન (૫૮) ને વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપડું ભરાવી દઈ માર મારી ઘરમાં લૂંટ ચલાવી હતી.

ફરીદાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી તિજોરીની ચાવી માંગી લીધી હતી, જે નાના પર્સમાં રાખી હતી તે ચાવી કાઢીને તિજોરીમાંથી એક લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોનાનું બીસ્કીટ અને અન્ય નાના- મોટા સોનાના ઘરેણાંઓ વગેરે સહિત ૧૪ લાખની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ઉપરના માળે તપાસ કરતાં ફરીદાબેનના પુત્રવધુ ફાતેમાબેન (૩૨) પોતાના પુત્ર બુરહાન (ઉંમર ત્રણ વર્ષ) સાથે હાજર હતી.

જે બંનેને પણ છરીની અણીએ ધમકી આપી મોઢે ડૂચા દઈ દીધા હતા, અને મારફૂટ કરી હતી. જેમાં ત્રણ વર્ષના બાળકને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ બંને લૂંટારુઓ ભાગી છૂટયા હતા.

સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ સી.ટી. ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે હિતેશ પ્રેમજીભાઈ હોડા (ઉ.૨૮, પોરબંદર) તથા ધાર્મિક હરીષભાઈ બરવાળિયા (ઉ.૨૧, પોરબંદર) આરોપીને ઝડપી લીધા હતા. આ બંને લૂંટારાની અટકાયત કરી લઈ જામનગર લવાયા હતા અને ગણતરીના કલાકોમાં લૂંટના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.