વુમન વન ડે સિરિઝમાં લાઇવ સટ્ટો રમતા ત્રણને પોલીસે ઝડપી લીધા
અમદાવાદ, શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ વુમન વન ડે સિરિઝ ચાલી રહી છે. આ સિરિઝની ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષકના સ્વાંગમાં રહેલા સટોડિયાઓ પર પોલીસે ખાસ વોચ ગોઠવી હતી. મેચ દરમિયાનમાં પોલીસે સ્ટેડિયમમાં બેસીને લાઇવ ક્રિકેટ મેચ સટ્ટો રમતા ત્રણ સટોડિયાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના ફોનમાંથી મળેલા સટ્ટાના આઇડી બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વુમન વન ડે સિરિઝ મેચ ચાલી રહી છે. જેમાં ગુરુવારે યોજાયેલી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચમાં પ્રેક્ષકોના સ્વાંગમાં અનેક સટોડિયાઓ ઘૂસી ગયા હતા.
પરંતુ અગાઉ સ્ટેડિયમમાં યોજાયેલી મેચના બંદોબસ્તના અનુભવ પ્રમાણે ચાંદખેડા પોલીસે પહેલેથી જ એલર્ટ હતી. પોલીસને શંકા હતી જ કે લાઇવ સટ્ટો રમતા લોકો પણ ઘૂસી શકે છે. જેથી પોલીસે શંકાસ્પદ લોકો પર એક ટીમને વોચ રાખવા સૂચના આપી હતી. તેવામાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ સોલંકીની ટીમે સ્ટેડિયમમાંથી કુલ ત્રણ સટોડિયાઓને લાઇવ સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે ડી બ્લોક પાસેથી યોગેશ નાનવાણી (રહે. શીવ ટાવર, સોરાબજી કમ્પાઉન્ડ)ને ઓનલાઇન સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના ફોનમાંથી મળી આવેલા આઇડી બાબતે તપાસ હાથ ધરી છે. જ્યારે સી બ્લોક પાસેથી મોહમંદ અબરેજ આદિલ મોહમંદ (રહે. જી. અલીગઢ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. જે આરોપી પાસેથી પોલીસે સટ્ટો રમવાના પાંચ આઇડી મેળવી તપાસ તેજ કરી છે.
જ્યારે બી બ્લોકમાંથી મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ગોતામાં રહેતા અક્ષિત રાવલને લાઇવ મેચનો સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી ત્યારે ફોનમાંથી સટ્ટાના આઇડી મળ્યા હતા. જે આઇડી બાબતે આરોપીઓની પૂછપરછ કરાતા આરોપીઓએ સોશિયલ મીડિયામાં આવતી વેબસાઇટોમાંથી આઇડી મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તે તમામ ચેનલ બાબતે તપાસ તેજ કરી છે.SS1MS