પોલીસે શંકાસ્પદ મોબાઈલો અને લેપટોપના જથ્થા સાથે સુરતના ત્રણ ઈસમોને ઝડપી પાડયા
બી ડીવીઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ચોરીના ફોન સાથે સુરતના ત્રણ ઈસમો પાસેથી ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જીઆઈડીસી બસ ડેપો નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ ઈસમો પાસે રહેલ સ્પોર્ટ્સ બેગ માંથી શંકાસ્પદ ૭૩ મોબાઈલ અને ૨ લેપટોપ સહીત કુલ ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર બી ડીવીઝન મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે જીઆઈડીસી બસ ડેપો સામેના શોપિંગ નજીક ત્રણ ઈસમો સ્પોર્ટસ બેગમાં મોબાઈલ ફોન લઈ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે.
તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી વાળા ઈસમો આવતા તેઓને અટકાવી તેઓની પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાં તપાસ કરતા બે બેગ માંથી ૭૦ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.જયારે એક બેગ માંથી બે લેપટોપ મળી આવ્યા હતા પોલીસે ત્રણે ઈસમોની મુદ્દામાલ અંગે પુછપરછ કરતા તેઓએ ઉડાવ જવાબ આપતા પોલીસે સુરતના વરાછા રોડ ઉપર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ ત્રિકમ નગરમાં રહેતો મનોહર સિંહ નારાયણસિંહ પુરોહિત,અનીશ શિવ વિલાસ તિવારી અને સુરેન્દ્ર પોખરાજ પ્રજાપતિને શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી તેઓની વધુ તપાસ હાથધરી છે.