Western Times News

Gujarati News

ગુજરાતના પોલીસ અધિકારીઓને મળશે ટૂંક સમયમાં નવા વર્ષની ભેટ

(એજન્સી)ગાંધીનગર, દિવાળી બાદ નવા વર્ષની શરુઆત થઈ ગઈ છે અને આ નવા વર્ષમાં પોલીસ વિભાગમા કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આ નવું વર્ષ કેટલાક પોલીસ અધિકારીઓ માટે ખુશીના સમાચાર લાવી શકે છે. આ અંગે વિગતે વાત કરીએ તો, પોલીસ વિભાગના અધિકારીઓને પ્રમોશન મળી શકે છે.

સામે આવેલી વિગતો અનુસાર આ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક મળી હતી. જેમાં પોલીસ વિભાગના અધિકારીઓને પ્રમોશન આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્યમાં નવા ૩૬ જેટલા એસડીપીઓ કાર્યરત કરવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચામાં મુજબ ૩૬ એસડીપીઓમા નવા ડીવાયએસપી મુકવામાં આવશે. આ ઉપરાંત પીઆઇ કક્ષાના અધિકારીને પ્રમોશન આપવાની મંજૂરી મામલે ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

આગમી દિવસોમાં ગૃહવિભાગ દ્રારા ૬૦થી વધુ પોલીસ અધિકારીને પ્રમોશન આપવામાં આવશે. તો બીજી તરફ હાલમાં તહેવારોની સિઝનમાં અકસ્માતના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ રાજ્યના એક જિલ્લામાં અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેની નોંધ ગૃહ વિભાગે પણ લીધી છે.

દાહોદ જિલ્લા પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે ગંભીરતાપૂર્વક મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ કામગીરી કરી છે. જેને પરિણામે દાહોદ જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૫ વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે, એટલુ જ નહિ, ૬૯ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.

ટ્રાફિક અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ-સીટ બેલ્ટ સહિતની ખાસ ડ્રાઇવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.

લોકોમાં ટ્રાફિક આવેરનેસ લાવવાની સાથોસાથ રોડ એન્જીનીયરિંગ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મુકવામાં આવ્યો. જેમાં અગાઉના ૧૦ વર્ષમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોનું મેપિંગ કરીને સુધારા યોગ્ય રોડ એન્જિનિયરિંગના ટુંકા ગાળાના અને લાંબા ગાળાના સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.