નડિયાદમાં જુગારધામ ચલાવતી મહિલાના ઘરે પોલીસનો દરોડો: 5 મહિલાઓ સહિત 7 પકડાયા
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં જવાહરનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચલાવતી મહિલાના ઘરે પોલીસે દરોડો પાડી જુગારધામ પકડી લીધું છે. જેમાં ૫ મહિલાઓ અને બે પુરષો મળી કુલ ૭ લોકો જુગાર રમતા પોલીસના હાથે લાગ્યા હતા.
પોલીસે રોકડ રૂપિયા તથા મોબાઇલ નંગ ૬ મળી કુલ રૂપિયા ૫૨,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ લોકો વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલ એક બંગલામાં મકાન ભાડે રાખી જુગારધામ ચલાવતા હોવાની માહિતી મળતા પોલીસે ગતરોજ જવાહરનગર વિસ્તારમાં ૬૦૫ બંગલા એરીયામા મકાન ભાડે રાખી જુગારની બદી ચલાવતી મહિલા માયાબેન લાલચંદ શ્રીચંદાણીના ઘરે દરોડો પાડ્યો હતો. આ મહિલા મળી આવી હતી તેને સાથે રાખી ઉપરના માળે તપાસ આદરતા ત્યાં રૂમમાં ૫ મહિલાઓ અને બે પુરૂષો જુગાર રમતા પકડાયા હતા.
પોલીસે દરોડા બાદ આ તમામ લોકોની પુછપરછ આદરતા આ તમામ લોકોએ પોતાના નામ કમલભાઈ ભગવાનદાસ ગુરનાની (રહે. સંતરામ નગર, મંજીપુરા રોડ, જવાહરનગર), ઓમપ્રકાશ ગોપાલદાસ આસવાની (રહે. હરીઓમ ટાવર મંજીપુરા, નડિયાદ) તેઓની દિકરી પૂજા ઓમપ્રકાશ આસવાની (રહે. હરીઓમ ટાવર મંજીપુરા, નડિયાદ), કમલાબેન મુકેશભાઈ ચાંગરાની (રહે. હાથીજણ, અમદાવાદ),
મમતાબેન કમલેશભાઈ ગનવાની (રહે.હાથીજણ, અમદાવાદ), રેખાબેન કિશોરભાઈ સચદેવ (રહે. સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, નડિયાદ) ભારતીબેન મનુભાઈ માટવાની (રહે.ઝુલેલાલ મંદિર બાજુમાં, જવાહરનગર, નડિયાદ) કબૂલાત કરી હતી.
પોલીસે ઉપરોક્ત આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા તથા મોબાઇલ નંગ ૬ મળી કુલ રૂપિયા ૫૨,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જુગારનો અડ્ડો ચલાવતી મહિલા માયાબેન શ્રીચંદાણીની પુછપરછ કરતા આ મકાન ભાડે રાખી આ જુગારની પ્રવૃત્તિ ચલાવતી હોવાની કબૂલાત કરી છે.પોલીસે આ જુગાર ધામ ચલાવતા માયાબેન શ્રીચંદાણી સાથે જુગાર રમતા મળી કુલ ૮ લોકો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.