Western Times News

Gujarati News

ડ્રીમ ઇલેવનમાં ૭૦ લાખ હારતા આપઘાત કરવા નીકળેલા યુવકને પોલીસે બચાવ્યો

રાજકોટ, ઓનલાઈન જુગારની રમતોમાં અનેક લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્યાં છે, અને કેટલાક તો જીવનથી પણ હારી જાય છે. તાજેતરમાં રાજકોટ પોલીસે ઓનલાઈન જુગારની એપ્લિકેશનોનું પ્રમોશન કરનારા ઇન્ફ્લુએન્સરો સામે કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન, મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના એક યુવક ડ્રિમ ઇલેવનમાં આશરે ૭૦ લાખ રૂપિયા હારી જતાં આપઘાત કરવા માટે વિરપુર પહોંચ્યો હતો, પરંતુ પોલીસે સમયસર પહોંચીને તેનો જીવ બચાવ્યો અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમના ઓપરેટર મહેન્દ્રસિંહ ઝાલાને કૈલાશભાઈ ગોપાલભાઈ રાણોલીયા (રહે. દાત્રાણા, મેંદરડા)નો ફોન આવ્યો હતો.

કૈલાશભાઈએ ૧૦૦ નંબર પર ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ જીવનથી કંટાળી ગયા છે અને વિરપુર બસ સ્ટેન્ડ પર બેઠા છે, અને હવે તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે.

આ માહિતી મળતા જ વિરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ ચૌહાણ તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા.

તેમણે કૈલાશભાઈને સમજાવીને પોલીસ સ્ટેશન લાવ્યા અને આપઘાત કરવા પાછળનું કારણ પૂછ્યું હતું.યુવકે પોલીસને જણાવ્યું કે તેણે ઓનલાઈન ડ્રીમ ઈલેવન એપ્લિકેશનમાં અલગ-અલગ રમતોમાં રોકાણ કરીને આશરે ૭૦ થી ૮૦ લાખ રૂપિયા ગુમાવ્યા છે.

જેના કારણે તેના પર મિત્રોનું મોટું દેવું થઈ ગયું છે અને તેના પરિવારે પણ તેની સાથેના સંબંધો કાપી નાખ્યા છે. આથી તે એકલો પડી ગયો હતો અને ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો. પોલીસે યુવકનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું અને તેને આપઘાત ન કરવા સમજાવ્યો. પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક માનવ જીંદગી બચાવી હતી, જે ખરેખર પ્રશંસનીય કાર્ય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.