સિકયોરિટી ગાર્ડની કેબિનમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ હેરાન
PCBએ બિનવારસી દારૂ જપ્ત કર્યો હેબતપુર-રામોલમાંથી
(એજન્સી)અમદાવાદ, દારૂ-જુગારના અડ્ડાઓ પર પોલીસ સિંઘમ બનીને ત્રાટકી રહી છે જેના કારણે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રિવેન્સન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી), ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, (એલસીબી) તેમજ સ્થાનિક પોલીસ બુટલેગર્સને રોકવા માટે એડીચોટીનું જોરલગાવી રહી છે. બુટલેગર્સ વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી લાવતી હોય છે.
પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમે થલતેજ તેમજ રામોલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ બન્ને કેસમાં ચોંકાવનારી વાત એ છે કે પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત તો કર્યો પરંતુ એક પણ આરોપીને પકડી શકી નથી. પીસીબીની આ કામગીરી વિવાદિત હોય તેવી ચર્ચા પોલીસ વિભાગમાં થવા લાગી છે. બે ક્વોલિટી કેસ પીસીબીને કર્યા છે પરંતે તેમાં એક પણ આરોપીને ઝડપી શકી નથી.
પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, થલતેજના ઝાયડસ હોસ્પિટલ રોડ પર આવેલી હેબતપુર ચોકડી પાસેના ગિરનાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દારૂ ભરેલી ઈકો કાર પડી છે. આથી પીસીબીની ટીમ તાત્કાલિક ગિરનાર એપાર્ટમેન્ટ પાસે પહોંચી ગઈ હતી અને ઈકો કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. કારમાંથી પોલીસે વિદેશી દારૂની નાની સીલબંધ બોટલો તથા બિયરના ટીન મળીને કુલ ૩૬ર જેટલો જપ્ત કર્યો છે જેની કિંમત ૪પ,૩પ૪ રૂપિયા થાય છે.
પીસીબીએ કાર તેમજ દારૂનો જથ્થો જપ્ત કરીને બોડકદેવ પોલીસને જાણ કરી છે. પીસીબીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને તપાસ શરૂ કરી છે જ્યારે આ દારૂનો જથ્થો કોનો છે ? તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઈકો કારની આસપાસ પીસીબીની ટીમ થોડા સમય સુધી ઊભી રહી હતી પરંતુ કોઈ શકમંદ નહીં આવતાં તેમણે કેસ કરી દીધો છે. પીસીબીએ કુલ પ.૪પ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઈકોમાં લગાવેલી નંબર પ્લેટના આધારે બોડકદેવ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પછી પીસીબીએ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બુટલેગર્સ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, રામોલ વિસ્તારમાં આવેલી નિરાંત ચોકડી પાસે લાલજી મહારાજ ઉદ્યાન સામે ગંગા એપાર્ટમેન્ટની સિકયોરિટીની ખુલ્લી કેબિનમાંથી દારૂનો જથ્થો પડયો છે. મળેલી બાતમીના આધારે પીસીબીની ટીમે તાત્કાલિક ગંગા એપાર્ટમેન્ટ પાસે પહોંચી ગઈ હતી જ્યાથી બિનવારસી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
સિકયોરિટી કેબિનમાંથી પીસીબીએ દારૂની નાની-મોટી સીલબંધ પ૧૦ બોટલો તથા બિયરના ટીન જપ્ત કર્યા છે જેની કિંમત ૯૬ હજાર રૂપિયા થાય છે. સિકયોરિટી કેબિનમાં દારૂનો જથ્થો મળી આવતા કોઈ ફલેટનો રહીશ હોય તેવું પોલીસ માની રહી છે. પીસીબીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને બુટલેગર કોણ છે ? તે શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. હાલ રામોલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને શંકાના દાયરામાં સિકયોરિટી ગાર્ડ સહિતના લોકો હોય તેવી શક્યતા છે.
આ બન્ને કેસમાં ચોંકાવનારી વાત એ છે કે, દારૂનો જથ્થો જપ્ત કર્યો પરંતુ એક પણ આરોપીને ઝડપી શકી નથી. પીસીબીની આ કામગીરી વિવાદિત હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ફલેટની સિકયોરિટી કેબિનમાં દારૂનો જથ્થો ખુલ્લેઆમ પડયો હોય અને કોઈ રહીશની નજર જાય નહીં તે વાત ગળે ઉતરે તેમ નથી. આ સાથે ઈકો કારમાં દારૂનો જથ્થો હોય તો પછી તે કારમાં કોઈ આવે નહીં ત્યાં સુધી પીસીબીએ રાહ કેમ ના જોઈ ? તે પણ સવાલ ઊભો થયો છે. પીસીબીની બન્ને કામગીરી વિવાદિત હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.