‘ધૂળ લગાવી મેમાથી બચવા ઉપાય’નો વીડિયો મૂકનાર સામે કોઈ કાર્યવાહી નહીં !
અમદાવાદ, હાલમાં ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતા નંબર પ્લેટ પર ચેડાં કરવાને લગતો વીડિયો સોશિયલ મીડિયામાં ચડી ગયો છે. વાહનચાલકોને ટ્રાફિકના નિયમો તોડવા પ્રેરિત કરતા વીડિયો મૂકનાર શખ્સ સામે કાર્યવાહી ના થઈ.
બીજી તરફ ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા એ હદે છતી થઈ છે કે, લાખો લોકો આ વીડિયો જોઈ ચૂકયા ત્યાં સુધી તે બ્લોક પણ થયો નથી. સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવાનું દાવો કરતું સાઈબર સેલ પણ આ વીડિયોને નજર અંદાજ કરી રહ્યું છે તેને બ્લોક કરવાની તસ્દી પણ લીધી નથી. આ વીડિયો જોનાર કેટલાક લોકોએ કોમેન્ટ કરી આવા વીડિયો ના મૂકવા અને આવા તત્ત્વોને રપ હજારનો દંડ કરવા સુધીની વાત કરી છ.
નંબર પ્લેટ ચેડા કરવા તે પણ ગુનો હોવાનું એક વ્યુઅર્સે મેસેજમાં જણાવ્યું છે. જો કે, લોકો આ મામલે જાગૃત હોવા છતાં સાયબર સેલ કે ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય હોવાનું સ્પષ્ટ થયું છે. આ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. રાજ્ય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનો પાલન કરવા અને સરળ ટ્રાફિક નિયમન માટે કરોડો રૂપિયાના ખર્ચે રાજ્યમાં અધતન સીસીટીવી કેમેરા લગાવાયા છ.
આ કેમેરાથી ટ્રાફિકનું મોનિટરીંગ સાથે નિયમ ભંગ કરનારને દંડ ભરવા માટે ઈ-ચલણની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ સ્થિતિ વચ્ચે ઈ-ચલણ ઘરે આવે નહીં અને લોકો નિયમો તોડવા રહે તે માટે ગઠિયાઓ દ્વારા નીતનવા પ્રયોગો કરતા રહે છે જે મુજબ કેટલાક લોકો નંબર પ્લેટ વાળી નાંખવી, તેની પર સફેદ કલર કરવો તેમજ ધૂળ નાંખી દેવી જેવા આઈડીયા કરવામાં આવે છે.
ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની નંબર પ્લેટવાળા વાહનચાલકો પર નજર રાખીને પણ કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, સરકારના કરોડો રૂપિયાના ખર્ચ અને પોલીસની મહેનત પાણીમાં જાય તેવી સ્થિતિ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.