ફેક ડૉક્યુમેન્ટ્સ પર USA પહોંચેલા ૧૦૦૦ ગુજરાતીઓને શોધવામાં ગોથે ચઢી પોલીસ
૧૦૦૦ ગુજરાતીઓને શોધવામાં ગોથે ચઢી પોલીસ
ન્યૂ રાણીપના સૂર્યપ્રકાશ કોષ્ટી દ્વારા ચાર વર્ષના ગાળામાં એક હજાર લોકોના ફેક દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા
ફેક ડૉક્યુમેન્ટ્સ પર અમેરિકા પહોંચી ગયેલા
અમદાવાદ,થોડા દિવસ પહેલા જ વિદેશ જવા ઈચ્છુક લોકોને બનાવટી દસ્તાવેજ બનાવી આપવાના એક મોટા કાંડનો પર્દાફાશ થયા બાદ હવે ગુજરાત પોલીસ માટે એક મોટી મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં ચાલતી એક ઓફિસ પર દરોડો પાડી પોલીસે શોધી કાઢ્યું હતું કે અહીં ૧,૦૦૦થી વધુ લોકોને ફેક દસ્તાવેજ બનાવી આપવામાં આવ્યા હતા.
જેમાંથી મોટાભાગના લોકોએ અમેરિકા જવા આ દસ્તાવેજ બનાવડાવ્યા હતા. જે લોકોના નામના ફેક દસ્તાવેજ બન્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું તે તમામને પોલીસે નોટિસ મોકલી પૂછપરછ માટે બોલાવવાનું શરુ કર્યું હતું. જાેકે, તેમાંથી અડધોઅડધ લોકોનો હાલ કોઈ અતોપતો ના હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ન્યૂ રાણીપમાં રહેતા સૂર્યપ્રકાશ કોષ્ઠી અને તેના બે દીકરા દ્વારા ચલાવાતી આ ઓફિસ પર ૧૩ સપ્ટેમ્બરના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ લોકો પાસે દસ્તાવેજ બનાવનારા એક હજાર લોકોનું લિસ્ટ બનાવ્યું છે, જેમણે છેલ્લા ચાર વર્ષના ગાળામાં ફેક દસ્તાવેજ મેળવ્યા હતા. આ તમામ લોકોના સાક્ષી તરીકે નિવેદન નોંધવા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી, પરંતુ તેમાંના મોટાભાગનાને પોલીસ હજુ સુધી શોધી નથી શકી.
કારણકે, આ દસ્તાવેજાેમાં જે એડ્રેસ લખવામાં આવ્યા છે ત્યાં તેઓ રહેતા જ નથી. મોટાભાગના એડ્રેસ પણ ફેક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કેટલાક કેસમાં પોલીસને મળેલા એડ્રેસ ફેક છે, જ્યારે કેટલાકમાં કોક્યુમેન્ટ મેળવનારા ત્યાં રહેતા નથી. કેટલાક લોકો નિવેદન નોંધાવવા આવ્યા પણ છે, પરંતુ તેમને આ કૌભાંડ અંગે કશીય જાણ ના હોવાનું પોલીસને જણાવ્યું છે.
પોલીસે ગુમ થઈ ગયેલા લોકોને શોધવા માટે કેનેડિયન એમ્બેસીની પણ મદદ માગી છે. ફેક દસ્તાવેજ મેળવનારા ઘણા લોકો સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા પહોંચી ત્યાંથી બોર્ડર ક્રોસ કરી અમેરિકા જતા રહ્યા હોવાનું પણ અત્યારસુધીની તપાસમાં બહાર આવ્યું છે. સૂર્યપ્રકાશ કોષ્ટી પાસેથી ફેક દસ્તાવેજ બનાવડાવી અમેરિકા પહોંચી ગયેલા એક વ્યક્તિને ડિપોર્ટ કરાતા આ સમગ્ર કાંડની પોલીસને જાણ થઈ હતી.
પોલીસને આશંકા છે કે કોષ્ટી ઉત્તર ગુજરાતના કેટલાક નામી એજન્ટો માટે આ કામ કરતો હતો. હાલ મુખ્ય આરોપી તેમજ તેના બે દીકરાની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો બેંક સ્ટેટમેન્ટ, ગુમાસ્તા લાઈસન્સ તેમજ આઈટી સર્ટિફિકેટ બનાવી આપતા હતા, જેના પર ફેક સિક્કા પણ મારવામાં આવતા હતા.
પાસપોર્ટ કે વિઝા માટે જે પણ ડોક્યુમેન્ટની જરુર પડે તેને કોષ્ટી તેમજ તેના બે દીકરા પૂરા પાડતા હતા. ચોંકાવનારી વાત એ છે કે, જે એક હજાર જેટલા લોકોના ફેક દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા તેમાંથી ૩૫ ડીંગુચાના રહેવાસી હતા.ss1