બિહારમાંગુનેગારને બચાવવા ટોળાએ પોલીસ કર્મીની હત્યા કરી

અરરિયા, બિહારમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો હવે પોલીસ કર્મીઓ પણ શિકાર બની રહ્યા છે. જેમાં રાજ્યના અરરિયા જિલ્લાના ફુલકાહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારને ઝડપવા રેડ દરમિયાન બિહાર પોલીસના એએસઆઈને માર મારીને હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ફુલકાહા પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજીવ કુમાર એક ગુનેગારને પકડવા માટે લક્ષ્મીપુર ગામમાં પહોંચ્યા હતા. પોલીસે ગુનેગારને કસ્ટડીમાં પણ લઈ લીધો હતો.
આ દરમિયાન ગામલોકોએ તેના પર હુમલો કર્યાે. જેમાં એવો આરોપ છે કે ગામલોકોએ તેને ઘેરી લીધો અને તેને નિર્દયતાથી માર માર્યાે જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસ ગુનેગારોની શોધમાં સતત દરોડા પાડી રહી છે.
પોલીસે ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરી લીધી છે અને કેટલાક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને આ જઘન્ય ગુનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બિહારની આ ઘટના બાદ પોલીસકર્મીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. દરોડા દરમિયાન પોલીસકર્મીઓ પર સતત થઈ રહેલા હુમલાઓએ વિભાગમાં ચિંતા વધારી દીધી છે. પોલીસ તંત્રએ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે.SS1MS