સરકારને કામગીરીના મોટા આંકડા બતાવવા પોલીસનો ખેલ
અમદાવાદ, સરકારે શહેર પોલીસના અધિકારીઓને ઠપકો આપ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરકાર સુધી પોતાની કામગીરી બતાવવા નિર્દાેષ લોકો પર નિયમોની આડમાં દંડો ઉગામ્યો છે. શહેર પોલીસે મેગા કોમ્બિંગ કર્યા બાદ બીજા દિવસે પણ અડધી રાત સુધી રોડ પર રહીને ૧૩ હજારથી વધુ વાહનો ચેક કર્યા હતા. જેમાં રૂ. ૧૦.૫૮ લાખનો દંડ વસૂલતા પ્રજામાં રોષ અને નારાજગી વ્યાપી છે.
બીજી બાજુ પોલીસે અડધી રાતમાં ૯૬૦ વાહનો ડિટેઇન કરી સંતોષ માન્યો હતો. પોલીસને મળેલા ઠપકાનો નિર્દાેષ નાગરિકો ભોગ બનતા હોય તેવી સ્થિતિનો અનુભવ નાગરિકોને થયો હતો અને પોલીસ સામે લોકોએ ભારોભાર નારાજગી દર્શાવી હતી. રાત્રે પરિવાર કે મિત્રો સાથે ટહેલવા નીકળેલા અનેક નિર્દાેષ લોકોના વાહનો જપ્ત કરીને સરકારને મોટી કામગીરીનો આંકડો બતાવીને પોલીસે સંતોષ માન્યો છે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસને અચાનક જ એવું શૂરાતન ચડ્યું કે જાણે કે દરેક સામાન્ય નાગરિક ગુનેગાર હોય તે પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે. સરકારે રોડ પર ઉતરીને ગુનેગારો પર લાલ આંખ કરવા માટે સૂચના આપતા પોલીસ અધિકારીઓ ઠપકો સહન કરી શક્યા નથી.
સરકારના ઠપકાનો રોષ અધિકારીઓએ સામાન્ય પ્રજા પર ઠાલવ્યો છે. જેથી ગુનેગારો હાથ ન લાગતા પોલીસે નિર્દાેષ લોકો સામે કાર્યવાહીનો દંડો ઉગામ્યો છે. મંગળવારે રાત્રે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઝોન પ્રમાણે વાહન ચેકિંગ, વાહન ડિટેઇન અને પ્રોહિબિશનના કેસ માટે ચોક્કસ ટાર્ગેટ આપતા શહેર પોલીસનો કાફલો અડધી રાત સુધી રોડ પર ઉતરી ગયો હતો.
જેમાં પોલીસે માત્રને માત્ર નિર્દાેષ લોકોને રોકીને રસ્તા જામ કરીને વાહનો ડિટેઇનની કામગીરી કરીને સંતોષ માન્યો હતો. પોલીસે મોટા મોટા આંકડા બતાવીને પણ સરકારને મનાવવા પ્રયાસ કર્યાે હતો. શહેર પોલીસે મંગળવારે રાત્રે ૧૩ હજારથી વધુ વાહનો ચેક કર્યા હતા.
જેમાં પોલીસે ૧૩૯૬ મેમો આપીને ૧૦.૫૮ લાખનો દંડ વસૂલ્યો હતો. તો બીજી બાજુ પોલીસે ૯૬૦ વાહનો ડિટેઇન કર્યા હતા. જોકે, એક રાતમાં માત્ર ૯૩ લોકો છરી કે ગુપ્તી જેવા હથિયારો સાથે મળી આવ્યા હતા ત્યારે ગુનેગારોને કાબૂમાં ન રાખી શકનારી પોલીસના કારણે નિર્દાેષ લોકો અડધી રાત્રે હેરાન પરેશાન થઇ જતા લોકોએ રોષ ઠાલવ્યો છે.
શહેર પોલીસે રાતભર માત્ર ને માત્ર સરકારને આંકડાની માયાજાળમાં ભરમાવીને આંખોમાં ધૂળ નાખવા સમાન કામગીરી કરી હતી. પોલીસે બે દિવસમાં માત્ર ને માત્ર વાહનો ડિટેઇન કરવા અને દંડ વસૂલવા પર ભાર આપ્યો હતો. જ્યારે એજન્સીઓ સહિતની પોલીસે છરી અને ગુપ્તી જેવા હથિયાર કબજે કરીને સંતોષ માન્યો હતો.
શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ, હથિયારનું વેચાણ અને વપરાશ વધ્યો હોવા છતાં પોલીસ એક પણ કેસ કરી શકી નથી. આટલું જ નહીં કોઇ મોટા ગુંડાઓ કે નામચીન ક્રિમિનલો પણ ન ઝડપાતા સામાન્ય નાગરિકો જ જાણે ગુનેગાર હોય તેવું ચિત્ર ઉપસ્યું હોવાની ચર્ચા છે.SS1MS