રાજકારણીઓને જેલનો ડર કેમ નથી હોતો, જાણો છો?
સત્યેન્દ્ર જૈનને જેલમાં મળતી સેવાઓ મુદ્દે રાજકારણ ગરમાયુંઃ કમનસીબી એ છે કે રાજકીય પક્ષો અંદરો અંદર મળેલા હોય છે માટે કડક જાેગવાઈ થઈ શકતી નથી
(એજન્સી)આમ આદમી પાર્ટીના પ્રધાન સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલમાં મળતી સેવાઓના અહેવાલો વારંવાર પ્રકાશમાં આવે છે. ક્યારેક તે માલિશ કરાવતા હોય છે તો ક્યારેક તેમના માટે આવેલા ટિફીનમાંથી તે પાટ પર બેઠા બેઠા ખાતા હોય તેમ નજરે પડે છે. દિલ્હીનો વિપક્ષ ભાજપ કાગારોળ કરી રહ્યો છે પણ આમ આદમી પાર્ટી કયારેય ખુલાશો નથી કરતી.
જેલમાં કેદીઓને મળતી પાયાની સવલતો બાબતે અવાજ ઉઠાવનાર અને જેલમાં અનેક સુધારણા કરનાર નામાંકિત પોલીસ અધિકારી કિરણ બેદીએ કહ્યું હતું કે જેલના સત્તાવાળાઓના હાથ બંધાયેલા છે કેમકે તિહાડ જેલનો વહિવટ દિલ્હીની સરકાર પાસે (આમ આદમી પાર્ટી) છે. કિરણ બેદી જેલ સુધારણામાં બહુ અગ્રેસર હતા. તિહાડમાં કેદીઓને અપાતી સવલતોમાં આમુલ પરિવર્તન લાવવા બદલ તેમને ૧૯૯૪માં ધ રેમન મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
જેલમાં રાજકીય કેદીઓ માટે ઘર જેવું વાતાવરણ હોય છે. સત્યેન્દ્ર જૈનના કિસ્સામાં તેમને ઘર કરતાં વધુ સવલતો મળી રહી છે. તેમણે જેલમાં ઓફિસ ખોલી દીધી હોય તેવો માહોલ છે. કિરણ બેદીએ કહ્યું કે જેલમાં સીસીટીવી કેમેરા છે, તેમાં બધું રેકોર્ડ થતું હોય છે. પરંતુ સત્યેન્દ્ર જૈન જાણે છે કે તિહાડમાં વહિવટ તેમની સરકારનો છે. અન્ના હજારેના આંદોલનના સ્ટેજ પર અરવિંદ કેજરીવાલ સાથે કિરણ બેદી પણ હતા.
કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી તો કિરણ બેદીએ ર૦૧૪માં નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો અને ભાજપમાં જાેડાયા હતા. ર૦૧પમાં તે ભાજપના મુખ્ય પ્રધાન તરીકેના ચહેરા સાથે વિધાનસભા લડ્યા હતા પણ ફાવ્યા નહોતા. ભાજપના મિનાક્ષી લેખીએ કહ્યું છે કે જૈન હોલિડે રિસોર્ટમાં રહેતા હોય એવી સવલતો જેલમાં ભોગવે છે.
અહીં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની આક્ષેપબાજીમાં સાચી હકીકતો દબાઈ જાય છે. રાજકીય કેદીઓ અને અંધારી આલમના લોકોને જેલમાં ફાઈવ સ્ટાર સવલતો મળતી હોય તે નવી વાત નથી. ઉત્તરપ્રદેશમાં રાજકારણ સાથે સંકળાયેલા ગુંડાઓને જેલોમાં માંગે તે મળતું હતું.
જેલમાં આ લોકો બહારથી ખાવાનું મંગાવી શકતા તે તો ઠીક પણ જેલમાં બેઠા બેઠા કોઈને મારવાની સોપારી પણ આપતા હતા. સામાન્ય રીતે લોકો એમ માનતા આવ્યા છે કે જેલનું જીવન હાડમારીઓથી ભરેલું હોય છે અને બહારની દુનિયા સાથેના સંપર્કથી કેદીઓને દૂર રાખવામાં આવે છે. કેટલીક વાતો પુસ્તકીયા હોય છે.
પરંતુ જેલમાં પૈસાદારોને, રાજકારણીઓને અને ગુંડાઓને વિશેષ સવલતો અપાતી આવી છે અને તેની જાહેરમાં ટીકા પણ થતી આવી છે. જયલલિથાના ખાસ મનાતા શશિકલાને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હતી. તેમના માટે જેલમાં અલગ જમવાનું બનતું હતું તે તો ઠીક પણ તે જેલમાં રહીને રાજકીય પક્ષ ચલાવતા હતા એવો આક્ષેપ કરાયો હતો કે શશીકલાએ ખાસ સવલતો મેળવવા જેલ સત્તાવાળાઓને બે કરોડ રૂપિયા આપ્યા હતા.
પ્રજાના ર૦,૦૦૦ કરોડ ચુકવી નહીં શકનાર સહારા ઈન્ડિયાના સુબ્રતો રોયને ર૦૧૪ તિહાડ જેલમાં રખાયા ત્યારે તેમને એર કન્ડીશન રૂમ, વેસ્ટર્ન ટોઈલેટ, મોબાઈલ ફોન, વાઈફાઈ, વિડીયો કોન્ફરન્સ ફેસિલીટી વગેરેના માટે ૩૧ લાખ રૂપિયા સત્તાવાર રીતે ચુકવાયા હતા. તિહાડ જેલમાં સુબ્રતોરોય પ્રથમ એવા કેદી હતા કે તેમને એર કન્ડીશન્ડની સુવિધા અપાઈ હતી. કોર્ટે આવી સવલતો માટે મંજુરી આપી હતી.
ઘાસચારા કૌભાંડમાં બિરસા મુંડા જેલમાં રહેલાલ લાલુપ્રસાદ યાદવને ટીવી સેટ, બે અંગત રસોઈયા સહિતની સવલતો અપાઈ હતી. તેમના માટે અલગ શાકભાજી મંગાવાતા હતા. તેમને બહારથી લોકો મળવા આવી શકતા હતા. હકીકત એ છે કે જેલમાં સામાન્ય કેદીઓ કરતા રાજકારણ સાથે સંકળાયેલા કેદીઓને વધુ કડક સજા હોવી જાેઈએ એવું બીલ પસાર કરી તેને કાયદાનું સ્વરૂપ આપવું જાેઈએ.
કમનસીબી એ છે કે રાજકીય પક્ષો અંદરો અંદર મળેલા હોય છે માટે કડક જાેગવાઈ થઈ શકતી નથી. પ્રજાના પ્રતિનિધિ-ો દરેક તબકકે સવલતો માગતા ફરે છે, લોકો પણ જાણતા હોય છે કે જેલમાં પણ રાજકીય કેદીઓ જલસા કરતાં હોય છે. તેમના મનમાં જેલનો ડર નથી હોતો, દરેક કેદીને એક સરખી સવલતો મળતી હોય છે એ ભ્રમણામાંથી બહાર આવવાની જરૂર છે.