આ ચૂંટણી કમિશ્નરથી નેતાઓ અને પ્રધાનમંત્રી પણ ગભરાતા હતા
દેશમાં જ્યાં પણ ચૂંટણી યોજાય ત્યાં આજે પણ શેષનને યાદ કરાય છે-ટી.એન.શેષને માંગ કરી હતી કે, દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના જજાેની સમકક્ષ સરકાર અધિકાર અને સવલતો, સગવડો આપે,
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શેષને જે સુધારા કર્યા હતા તેના કારણે આજની ચૂંટણીઓ વધુ પારદર્શક બની છે
ભારતમાં ચૂંટણી યોજવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો અને ચૂંટણી દરમિયાન થયેલી 100 ગેરરીતિઓની યાદી રજૂ કરી, જેમાં દારૂનું વિતરણ, મતદારોને લાંચ આપવી, દિવાલો પર લખાણ લખવા પર પ્રતિબંધ, ચૂંટણી ભાષણોમાં ધર્મનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે મતદાર ઓળખ કાર્ડ (વોટર આઇડી કાર્ડ) , આચારસંહિતાનું મોડલ અને મતદાન ખર્ચની મર્યાદા લાગુ કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી દરમિયાન સતત એક વાત ચર્ચાતી જાેવા મળી કે આ વખતે ચૂંટણીનો માહોલ જામતો નથી, વાતાવરણ બહુ શુષ્ક છે.
ત્યારે આજે ચૂંટણીકથામાં યાદ કરીએ ટી. એન. શેષનને. ચૂંટણીપંચના એક સમયના વડા અને ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરનારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર હતા. ચાર અલગ અલગ વડાપ્રધાનના કાર્યકાળમાં તેમણે કામ કર્યું.
તિરુનેલાઈ નારાયણ ઐયર શેષન જેમને ટૂંકમાં ટી. એન. શેષન તરીકે ઓળખવામાં આવે કહેવાય છે, તેઓની 12 ડિસેમ્બર, 1990 થી 11 ડિસેમ્બર 1996 સુધીના સમયગાળા માટે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
1993 માં, શેષનના કાર્યકાળ દરમિયાન, પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે ECને ત્રણ સભ્યોની પેનલમાં વિસ્તરણ કર્યું હતું, જેમાં તમામ કમિશનરો સમાન સત્તા ધરાવતા હતા, શેષન પર લગામ લગાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું.
નેતાઓની જાહેરસભાઓ પણ રાતે યોજાતી નથી, વગેરે વગેરે. ચૂંટણીઓમાં પહેલાં જેવો માહોલ નથી તેવી ફરિયાદ જૂની પેઢી કરી રહી છે તેનું મુખ્ય કારણ ચૂંટણી લડવા માટે થયેલા સુધારા છે. દેશનો ચૂંટણી ઈતિહાસ લખાશે તો તેમાં બે ભાગ હશે. એક ભાગ ચૂંટણી કમિશનર શેષન આવ્યા તે પહેલાંનો અને બીજાે ભાગ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રહીને શેષને જે ચૂંટણી માટે સુધારા કર્યા ત્યાર પછી યોજાતી ચૂંટણીઓનો.
ચૂંટણીઓ શેષનના પહેલાંના સમયમાં બહુ રોચક અને રંગીન રહેતી. મોડી રાત સુધી નેતાઓની જાહેરસભાઓ શહેરોમાં ગાજતી પાર્ટીના કાર્યાલયો પર સતત ભૂસું, ભજિયાં અને નાસ્તાની જમાવટ રહેતી. મતદારોને ખુલ્લેઆમ સાડીથી માંડીને ઘરવખરીની ચીજાે મત આપવાના પ્રલોભન તરીકે વહેંચવામાં આવતી.
ઉમેદવારો જયા મન ફાવે ત્યાં પોતાના પ્રચારો માટે જાહેરાતના બોર્ડ લગાવતા, ઉપરાંત રાજકીય પાર્ટીઓ પણ ખુલ્લી જગ્યા દેખાય ત્યાં પાર્ટીના સ્લોગનો ચિતરી મારતાં, ઉમેદવારો ફોર્મ ભરવા જાય ત્યાંથી શરૂ થઈને તેમના વિજય સરઘસો પણ ખૂબજ જાહોજલાલી ભર્યા રહેતા.
હજારો વાહનોના કાફલા આવી રેલીઓમાં સામેલ રહેતો. શેરી મહોલ્લાઓમાં આખો દિવસ ઉમેદવારોના પ્રચારની જાહેરાત કરતી રિક્ષાઓ માઈકો લગાવીને ફર્યા કરતી. ચૂંટણીના સમયમાં કોઈ પરદેશી પણ રાજયમાં કે શહેરમાં આવે તો તેને ખબર પડે કે આ શહેરમાં કંઈક નવાજૂની થઈ રહી છે.
દેશના મુખ્ય કમિશનર તરીકે જેવી ટી.એન. શેષનની નિમણુંક થઈ કે તેમણે જાતજાતના ચૂંટણી સુધારાઓ રજૂ કર્યા. પરિણામે ચૂંટણીના પ્રચાર-પ્રસાર ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી ખર્ચ સુધી નીતિ નિયમો ઘડાયા. ઉમેદવારની સંપત્તિ અને તેનો ગુનાહિત ઈતિહાસ જાહેર કરવાનું ફરજિયાત બન્યું. પરિણામે રાજકીય પાર્ટીઓ પર પણ ઈનડાયરેકટ ઉમેદવારોની પસંદગીના મુદે પણ પ્રેશર આવવા માંડ્યું.
પરંતુ જયારે કોઈક સરકારી અધિકારી સિસ્ટમમાં ચેન્જ લાવવા ઈચ્છે ત્યારે સરકાર આ અધિકારીની વિરુદ્ધ થઈ જતી હોય છે. ટી.એન.શેષનના મુદ્દે પણ એવું જ થયું. ૧૯૯૩માં વડાપ્રધાન નરસિંહરાવની આગેવાનીમાં કોંગ્રેસ સરકારે ચૂંટણી કમિશનર શેષનની સત્તા પર કાપ મુકવા માટે દેશના ચૂંટણી કમિશનર તરીકે બીજી બે જગ્યાઓ ઉભી કરી અને જાહેર કર્યું કે, ચૂંટણી કમિશનમાં બહુમતીથી ફેંસલો લેવાશે.
પરિણામ એ આવ્યું કે જયાં ત્રણ ચૂંટણી કમિશનરો સત્તા હોય ત્યારે સ્વભાવિક છે કે ટી.એન.શેષન પોતાની રીતે નિર્ણયો ના લઈ શકે. સરકારના આ ફેંસલા સામે ટી.એન.શેષને સુપ્રિમ કોર્ટમાં દાદ માગી. ટી.એન. શેષનનો કેસ લડવા માટે દેશના જાણીતા વકીલ નાની પાલખીવાલા સુપ્રીમ કોર્ટમાં ઉભા થઈ ગયા.
પરંતુ સુપ્રીમ કોર્ટ પર પાલખીવાલાનો પ્રભાવ ના ચાલ્યો. ૧૯૯પમાં તે વખત મુખ્ય ન્યાયાધીશ અ.એમ. અહેમદીની આગેવાનીમાં બેન્ચે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સરકારની તરફેણમાં આપ્યો અને આમ મુખ્ય ચૂંટણી અધિકારીની સત્તા પર કાપ મુકવાના સરકારી પ્રયાસમાં સુપ્રીમ કોર્ટે જાણે મહોર મારી દીધી.
જાણકારો કહે છે કે, સુપ્રીમ કોર્ટ ટી.એન.શેષન પર એટલા માટે રોષે ભરાયેલી હતી કે, ટી.એન.શેષને માંગ કરી હતી કે, દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના જજાેની સમકક્ષ સરકાર અધિકાર અને સવલતો, સગવડો આપે, આ મુદ્દે શેષને ગૃહસચિવ અને પછી વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.
કહેવાય છે કે સુપ્રીમ કોર્ટ શેષનના આ પગલાંથી નારાજ હતી. ખુદ સુપ્રીમ કોર્ટે પોતાના શેષન અંગેના ચુકાદામાં કહ્યું હતું કે, કોઈપણ કિંમતે મુખ્ય ચૂંટણી અધિકારીને સુપ્રીમ કોર્ટના જજાેની સમકક્ષ રાખી ના શકાય. આના કારણે જજાેની પ્રતિષ્ઠા પર અસર પડી શકે છે. ઉપરાંત સરકારને ચુકાદામાં એવું પણ કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશને પુછયા વિના સરકાર વોરંટ ઓફ પ્રોસિડેન્સમાં કોઈ ફેરફાર ના કરે.
દેશના અગ્રણી વકીલોનું માનવું છે કે, શેષનની સુપ્રીમ કોર્ટના જજાેના સમકક્ષ બનવાની જીદ તેમને ભારે પડી.
રાજકારણ કેવા કેવા રંગ બતાવે છે તે વાત પણ ટી.એન. શેષનના કેસમાં જ આગળ પ્રજાને ખબર પડી. જે ટી.એન. શેષનની ચૂંટણી કમિશનર તરીકેની સત્તા પર કોંગ્રેસની સરકારે કાપ મુકયો હતો
તે જ ટી.એન.શેષન ૧૯૯૯થી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ગાંધીનગર ખાતેની બેઠક પર ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા થઈ ગયા હતા. જાેકે આ ચૂંટણીમાં ટી.એન.શેષન ખરાબ રીતે હાીર ગયાહતા તે વાત પણ જગજાહેર છે.
સમય સમય પણ બળવાન છે. હાલમાં ચૂંટણી કમિશનરની તાબડતોબ નિમણુક અંગે સુપ્રીમ કોર્ટ જે રીતે સરકારને આડે હાથે લીધી છે અને પોતાની વાતમાં ટી.એન.શેષને દેશના આદર્શ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે યાદ કર્યા હતા. તે જ ટી.એન. શેષનને ર૭ વર્ષ પહેલા આ જ સુપ્રીમ કોર્ટની સંવિધાન બેન્ચે પોતાના ચુકાદામાં ખરીખોટી સંભળાવી હતી.
જાે ટી.એન.શેષનને આજે પણ જયારે જયારે દેશમાં કોઈપણ ચૂંટણી થાય છે ત્યારે યાદ કરવામાં આવે છે. તેમણે બનાવેલા નિયમોને કારણે ચૂંટણી વધુ પારદર્શક બની છે. ચૂંટણી લડતી રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પણ વધુ જવાબદેહી બન્યા છે. આનું કારણ દેશના ભુતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષ હતા તે વાત સોૈ કબૂલે છે.