નરેશ પટેલ સાથે મુખ્યમંત્રીએ ભોજન લેતાં રાજકારણ ફરી ગરમાયું

(એજન્સી) અમદાવાદ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રાજકોટની મુલાકાત દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર આગેવાન નરેશ પટેલે સીએમને પોતાના ફાર્મ હાઉસ પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને સ્વીકારીને મુખ્યપ્રધાન, કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યો સહિતના આગેવાનો તેમના ફાર્મ હાઉસ પર પહોચ્યા હતા
અને તેમની સાથે ભોજન લીધું હતું. લોકસભાની ચૂંટણી પહેલાં જ અચાનક નરેશ પટેલ સાથે મુખ્યપ્રધાનની મુલાકાતથી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે અને આ મુલાકાતથી ફરી એકવાર સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મુખ્યપ્રધાનને અપાયેલું
આ આમંત્રણ ર૦ર૪ની ચૂંટણી કે પછી આવતા સપ્તાહે મનપા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓની નિમણુંક બાબતે મળ્યા હોવાની ચર્ચાઓ ચગડોળે ચઢી છે. આ મામલે નરેશ પટેલ માત્ર વ્યકિતગત સંબંધોના કારણે સીએમ તેમના નિવાસસ્થાને આવ્યા હોવાનો ભલે ખુલાસો કરી રહ્યા છે, પરંતુ આંતરિક રાજકારણ કાંઈક બીજુ જ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.