Western Times News

Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે યોજાયેલું મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૬૭ ટકાથી વધુ મતદાનઃ ગારિયાબંધમાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો, આઈટીબીપીનો એક જવાન શહીદ-મધ્યપ્રદેશમાં ૭૧ ટકાથી વધુ મતદાન

ભોપાલ, મધ્યપ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠક બપોરે ૫ વાગ્યા સુધી ૭૧.૧૬ ટકા મતદાન થયું. શાજાપુર જિલ્લામાં સૌથી વધુ ૭૦.૨૭ ટકા મતદાન થયું છે. આગર માલવા જિલ્લામાં સૌથી વધુ ૮૨ ટકા મતદાન થયું છે. સૌથી ઓછું આલીરાજપુર જિલ્લામાં ૫૬.૨૪% મતદાન થયું. રતલામ જિલ્લાની સૈલાના બેઠખ પર સૌથી વધુ ૮૫.૪૯% મતદાન થયું છે. ભીંડ બેઠક પર સૌથી ઓછા ૫૦.૪૧% વોટ પડ્યા હતા.

ભોપાલની હિન્દ કોન્વેન્ટ સ્કૂલના પોલિંગ બૂથ પર વિવાદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મંત્રી વિશ્વાસ સારંગ યુવક પર હાથ ઉપાડતા જાેવા મળ્યા. ઈન્દોર-૪ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. વીડિયોમાં ભાજપના ધારાસભ્ય માલિની ગૌડનો પુત્ર એકલવ્ય સિંહ પણ મારપીટ કરતો જાેવા મળે છે. છતરપુરના રાજનગરમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ સિંહ નાતી રાજાની કાર ચલાવી રહેલા કાઉન્સિલરને કચડી નાખતા મોત નીપજ્યું.

આ મામલામાં ભાજપના ઉમેદવાર અરવિંદ પટેરિયા સહિત તેમના ૧૮-૨૦ સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઉજ્જૈન અને ખરગોનમાં એક-એક મતદારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, તો રાયસેનના સિલવાનીમાં એક પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. હરદામાં મતદાન મથક પર વીજ શોક લાગવાથી એક યુવકે જીવ ગુમાવ્યો. ઇન્દોરના મહુમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસીઓ પર તલવારોથી હુમલો કર્યો.

છિંદવાડામાં બૂથનું નિરીક્ષણ કરવા આવેલા સાંસદ નકુલનાથને ભાજપના સભ્યોએ અટકાવ્યા હતા. આ અંગે હોબાળો થયો હતો. મોરેના જિલ્લાના દિમનીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને જણાવ્યું કે, દિમનીના મીરઘાનમાં ફાયરિંગની માહિતી મળી હતી, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ગોળીબાર થયાનો ઇનકાર કર્યો હતો.

કલેકટરે જણાવ્યું હતું કે સામાન્ય ઝપાઝપી થઈ હતી. સીઈઓએ કહ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવારના ડ્રાઈવરની ગઈકાલે છતરપુરના રાજનગરમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ નક્સલવાદીઓએ નક્સલ પ્રભાવિત ગરિયાબંધના બિન્દ્રાનવાગઢમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. જેના કારણે આઈટીબીપીના જવાન જાેગીન્દર સિંહ શહીદ થયા છે.

છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૭૦ બેઠકો પર મતદાન સાંજે ૫ વાગ્યે પૂર્ણ થયું. હવે બૂથની અંદર જે લોકો બાકી છે તે જ મતદાન કરી શકશે. સાંજે ૫ વાગ્યા સુધી ૬૭.૩૪% મતદાન થયું છે. સૌથી ઓછું મતદાન રાયપુરમાં ૫૮.૮૩% થયું છે. આ તબક્કામાં ઘણી હાઈપ્રોફાઈલ સીટો પણ છે. સીએમ ભૂપેશ બઘેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને વિધાનસભા સ્પીકર ડો. ચરણદાસ મહંત સહિત ૧૦ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે.

પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવ સહિત ભાજપના ચાર સાંસદો અને ૧૦ ધારાસભ્યો પણ મેદાનમાં છે. જેસીસીજેના પ્રદેશ અધ્યક્ષ અમિત જાેગી અને તેમની માતા અને ધારાસભ્ય રેણુ જાેગી પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં ૯૫૮ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં ૧૨ નવેમ્બરે ૨૦ બેઠકો પર ૭૮% મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.