ગરીબ ખેડૂતના દીકરાએ 45 લાખની લોન લઈ 21 દેશ ફરી અમેરિકા પહોંચ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/USAirforce-1024x576.jpg)
યુવકે ડંકી રુટ અપનાવીને અમેરિકા જવા અને પાછા ફરવાની ખતરનાક ઘટના સાથે સાથે અમેરિકાની સેનાની રૂંવાડા ઊભા કરી દેતી કહાની જણાવી છે.
સોનીપત, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકાર બનતા જ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશીઓને પરત મોકલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ૧૦૪ ભારતીયોને અમૃતસર એરપોર્ટ પર ડિપોર્ટ પણ કર્યા, જેમાં હરિયાણા અને પંજાબ અને ગુજરાતના સૌથી વધારે લોકો સામેલ હતા. જેમને તેમના ઘર સુધી મોકલવામાં આવ્યા છે.
સોનીપતના ગામ ખાનપુર ખુર્દના રહેવાસી નિશાંતને પણ પરત મોકલવામાં આવ્યો છે. નિશાંતે ડંકી રુટ અપનાવીને અમેરિકા જવા અને વાપસીની ખતરનાક ઘટના સાથે સાથે અમેરિકાની સેના અને પોલીસની યાતનાઓની રૂંવાડા ઊભા કરી દેતી કહાની જણાવી છે. નિશાંત અમેરિકા જવા માગતો હતો. તે ડોલર કમાઈને પિતા માટે મદદરૂપ બનવા માગતો હતો અને પોતાની ત્રણ બહેનોના ભણતરનો ખર્ચ ઉઠાવવા માગતો હતો.
આ યુવક હરિયાણાના સોનીપતના નાના એવા ગામ ખાનપુર ખુર્દનો રહેવાસી નિશાંત છે. નિશાંતના પિતા નરેન્દ્ર ખેતીનું કામ કરે છે અને ખેતીથી દીકરાને ભણાવીને મોટા કર્યો. પણ દીકરો વિદેશ જવાના સપના જોતો હતો. આ દરમ્યાન પરિવારે કરનાલના નૂરન ખેડાના રહેવાસી રાજેશ નરવાલ સાથે સંપર્ક કર્યો. રાજેશ નરવાલે આ પરિવારને જાળમાં ફસાવીને ૪૫ લાખ રૂપિયા લઈ લીધા અને નિશાંતને ડંકી રુટથી અમેરિકા જવાનો મોકો મળી ગયો.
મે મહિનામાં નિશાંત લગભગ ૨૧ દેશોના ખતરનાક રસ્તા પાર કરીને અમેરિકા પહોંચ્યો હતો. નિશાંતે જણાવ્યું કે, “અમેરિકાની સેનાએ ભારતીય સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો. અમને બીફ ખાવા આપી દીધું. પણ અમે હિન્દુ હતા તો અમે ન ખાધું.” અમેરિકાની સેનાએ અમને જહાજમાં બેસાડીને બેડીઓથી બાંધીને ૫૫ કલાકમાં ભારતમાં લાવવામાં આવ્યા.
ડંકી રસ્તે જતા દરરોજ મોત જોયું છે. અમારી સાથે કેટલાય યુવાનો ડંકી રસ્તે ગયા હતા. તેમના જીવ પણ જતા રહ્યા.” નિશાંતની કહાની હચમચાવી નાખતી છે. સોનીપતના આ નાના એવા ખેડૂત નરેન્દ્રએ પોતાના દીકરા નિશાંતને અમેરિકા મોકલવાનો જે તર્ક આપ્યો, તેને સાંભળીને હરિયાણા સરકાર પણ વિચારવા મજબૂર થઈ જશે. તેમણે જણાવ્યું કે, “તેમને ચાર બાળકો છે, ત્રણ દીકરી અને એક દીકરો.
દીકરીઓ સરકારી નોકરીની તૈયારીઓ કરી રહી છે. પણ નોકરી મળતી નથી. દીકરો ૪૫ લાખ ખર્ચીને લોન લઈ અમેરિકા ગયો. આ વિચારીને કે દીકરીઓના ભણતરના ખર્ચા અને પરિવારને મદદ મળશે. પણ ખોટી રીતે મોકલવાનું પરિણામ પણ ખરાબ આવ્યું. અમેરિકાએ ભારતીયોને જે રીતે ઘરે મોકલ્યા, તે તો અધિકારો વિરુદ્ધ છે.” નરેન્દ્ર નાના એવા ગામના સાધારણ માણસ છે, તો વળી દીકરો પાછો આવ્યો તેની ખુશી પણ છે.