Western Times News

Gujarati News

PoP તથા કેમીકલયુકત રંગોથી મૂર્તિઓ બનાવવા  અને વેચાણ કરવા પર પ્રતિબંધ

આણંદ – આગામી તા. ૧૨/૯/૧૯ સુધી જિલ્લામાં  ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ તમામ મૂર્તિઓને પ્રચલિત રીત-રિવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.  સામાન્ય રીતે આવી મૂર્તિઓપ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવતી હોય છે જેમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવાથી પાણીજન્ય જીવો નાશ પામી શકે છે તેમજ કેમિકલયુકત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ(પી.ઓ.પી.) તથા કેમિકલયુકત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરતા ઉદ્દભવતી પર્યાવરણીય સમસ્યાઓને મૂર્તિના ઉત્પાદનની પ્રક્રિયાના તબકકે જ અટકાવવી જરૂરી હોય તેમજ મૂર્તિઓનું વિસર્જન કરવા સંબંધી પર્યાવરણ તથા પાણીજન્ય જીવોને કોઇ નુકશાન ન થાય તે માટે પી.ઓ.પી. તથા કેમિકલયુકત રંગોથી બનેલી મૂર્તિઓ પાણીમાં વિસર્જિત ન કરવા માટે તેમજ મૂર્તિના ઉત્પાદકો મૂર્તિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે ત્યારથી જ તેઓને પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.)નો ઉપયોગ કરતા અટકાવી શકાય.

તે હેતુસર આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂઇએ મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો, ધાર્મિક રીતે પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવા, ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.)નો ઉપયોગ ન કરવા, મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવા જયારે ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલયુકત રંગોની મૂર્તિને કલર ન કરવા, મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુને બાધ નડશે નહીં, મૂર્તિઓની ઉચાઇ બેઠક સહિત ૯ ફૂટ કરતાં વધારે ન હોવી જોઇએ, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યાની આજુબાજુમાં ગંદકી ન કરવા, મૂર્તિકારો મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને ન જવા, મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્હો કે નિશાનીઓવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચાણ ન કરવું જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે.

આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે સમગ્ર આણંદ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તા. ૧૨/૯/૧૯ સુધી અમલમાં રહેશે.   આણંદ જિલ્લા બહારથી આ પ્રકારની બનાવટવાળી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ પ્રતિબંધો લાગુ પડશે.  શ્રી ગણેશજીની મૂર્તિ વિસર્જન સમયે નિયમ મુજબ પરવાનગી મેળવવાની રહેશે તેમજ સરઘસ દરમિયાન અશ્લીલ ગીતો વગાડવા પર તથા સરકારી નીતિ નિયમો મુજબ વધારે ડેસીબલ અવાજ ફેલાવતા ડી.જે./મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.    આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫)ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.