વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય – આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે ૧૫મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ
(માહિતી) ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે ૧૫મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા નવ વર્ષોથી ગુજરાતને ‘ડબલ એન્જિન સરકાર’ના લાભો મળી રહ્યા છે. માનવ વિકાસ અને જનકલ્યાણના તમામ આયામોમાં ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ-પથપ્રદર્શક રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં ગુજરાતે નવા શિખરો સર ન કર્યા હોય, નવી સિદ્ધિ હાંસલ ન કરી હોય અને એટલે જ આજે ગુજરાત સમગ્ર દેશ માટે ‘મોડેલ સ્ટેટ’ બન્યું છે.
સૌપ્રથમ સત્યના સાધક પૂજ્ય મહાત્મા ગાંધીજી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, મુક સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ અને ગુજરાતના સપૂત શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક સહિત સૌ સ્વાતંત્ર સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક વંદન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત એટલે ગરબા, વ્યાપાર, સ્વાદ, સાહસ અને સંસ્કાર. શૂરવીરો અને સાહિત્યકારોની ભૂમિ એટલે ગરવી ગુજરાત. કોરોના જેવી મહામારી હોય કે કુદરતી હોનારતો, મારા ગુજરાતી બાંધવોએ અડગ રહીને આફતોનો સામનો કરતાં કરતાં વિકાસની ગતિમાં અવરોધ નથી આવવા દીધો. રાજ્ય સરકારના પંચામૃત વિકાસ કાર્યોમાં ગુજરાતના નાગરિકોએ હંમેશા સમર્થન આપ્યું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારત સરકારની ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના ૮૭ રેલવે સ્ટેશનોનો વિકાસ કરાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતીઓને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈને જાેડતી સેમી હાઈસ્પીડ ‘વંદે ભારત ટ્રેન’ની ભેટ આપી છે, એ જ રીતે ગુજરાતના નાના શહેરોને મોટા શહેરો સાથે જાેડતી ‘વંદે મેટ્રો ટ્રેન’ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે ?૮૩૩૨ કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે.
ગુજરાત દેશનું ‘ગ્રોથ એન્જિન’ રહ્યું છે, એમ કહેતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, નલ સે જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓના વ્યાપક અને અસરકારક અમલીકરણથી જનકલ્યાણકારી સેવાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જી-૨૦ રાષ્ટ્રની અધ્યક્ષતા કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ય્૨૦ ની ૧૬ બેઠકોનું યજમાન બનશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જી-૨૦ ની ત્રણ બેઠકો બિઝનેસ ય્૨૦ ઇન્સેપ્શન મીટીંગ ગાંધીનગરમાં, પ્રવાસન પર આધારિત બીજી બેઠક ધોરડો-કચ્છમાં અને ત્રીજી અર્બન૨૦ શેરપા ઇન્સેપ્શન બેઠક અમદાવાદમાં યોજાઈ ગઈ. આગામી માર્ચ મહિનામાં સુરતમાં અને જૂન મહિનામાં એકતાનગર-કેવડિયા સહિત વર્ષ ૨૦૨૩ માં ગુજરાતમાં જી-૨૦ સમૂહના પ્રતિનિધિઓની અન્ય ૧૩ બેઠકો યોજાશે.
રાજ્યપાલશ્રીએ ગણતંત્ર દિવસે નવી દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાત સરકારના ‘ક્લીન-ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ ની થીમ પર આધારિત ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો તે બદલ ગૌરવની લાગણી અનુભવી હતી. ગુજરાતે ત્રણ મહિનામાં રાષ્ટ્રીય ખેલ મહોત્સવનું આયોજન કરીને ભારતે હવે ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની ક્ષમતાનું પણ પ્રમાણ આપી દીધું છે એમ કહ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, શક્તિશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત ગુજરાત ભારતનું ‘આદર્શ રાજ્ય’ છે. ગુજરાતનો સર્વાંગી વિકાસ સૂર્ય સરીખો દૈદિપ્યમાન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતની વિકાસયાત્રાને ઓર તેજ ગતિથી આગળ ધપાવવાની છે. આર્ત્મનિભર અને વિકસિત ગુજરાતના નિર્માણથી આર્ત્મનિભર અને વિકસિત ભારતના નિર્માણ માટે યોગદાન આપવાનું છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન છે, એને વધુ મજબૂત બનાવવાની જવાબદારી આપ સૌના શીરે છે. તેમણે વિધાનસભાના સૌ સભ્યોને પોતાના સાર્વજનિક જીવનના અનુભવ અને લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને જન પ્રતિનિધિ તરીકે સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાની અપીલ કરી હતી.