PPE કીટ પહેરીને 13 કરોડનું સોનું ચોર્યું
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીમાં એક ઇલેક્ટ્રીશિયને ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સ પહેરે એવો PPE કીટ પહેરીને એક ઝવેરીની દુકાનમાંથી રૂપિયા 13 કરોડનું સોનું ચોરી લીધું હતું. કોરોના કાળમાં વપરાતા PPE કીટનો આવો પણ ઉપયોગ થશે એની તો કોઇએ કલ્પના સુદ્ધાં નહીં કરી હોય.
નવી દિલ્હીમાં કાલકાજી વિસ્તારમાં આવેલી એક ઝવેરીની દુકાન અંજલિ જ્વેલર્સમાં આ ચોર મુહમ્મ્દ શેખ નૂર પીપીઇ કીટ પહેરીને બીજા મકાનની છતમાંથી ઘુસ્યો હતો. ઝવેરીના શોરૂમની આગળ પાછળ પાંચ હથિયારધારી ચોકીદારો હતા છતાં કેાઇને ગંધ ન આવી. પચીસ કિલો સોનું ચોરીને આ માણસ બેધડક રિક્શા દ્વારા બેગ લઇને ચાલ્યો ગયો. એક રીતે જુઓ તો હિન્દી મસાલા ફિલ્મોમાં દેખાડે એવી આ ચોરી હતી.
પોલીસે ચોવીસ કલાકમાં એને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યા મુજબ આ આરોપી હુબલીનો રવેવાસી છે અને કાલકાજીમાં ઇલેક્ટ્રીશિયન તરીકે કામ કરતો હતો. બુધવારે સવારે 11 વાગ્યે સાઉથ ઇસ્ટ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં મેન રોડ પર આવેલી અંજલિ જ્વેલર્સમાં 13 કિલો સોનું ચોરાયાના સમાચારથી પોલીસ તરત હરકતમાં આવી ગઇ હતી. આ વર્ષની આ પહેલી સૌથી મોટી ઊઠાંતરી હતી. પોલીસે તરત પગલાં લીધાં હતાં.
આ વિસ્તારમાં આટલી મોટી રકમની ચોરીની વાત જંગલની આગની પેઠે સમગ્ર કાલકાજી વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. વેપારીઓ ડરી ગયા હતા અને પોલીસ પર દબાણ વધ્યું હતું કે ચોરને ઝડપભેર પકડો અને માલમુદ્દો કબજે કરો. દુકાનમાં ચારેબાજુ સીસીટીવી હતા. એમાં આખીય ઘટના ક્લીક થઇ ચૂકી હતી. પાંચ પાંચ હથિયારધારી ચોકીદારો હાજર હતા છતાં આટલી મોટી ચોરી થઇ એમાં ચોરની કાર્યકુશળતા દેખાઇ આવતી હતી. પોલીસ તરત હરકતમાં આવી ગઇ હતી અને કાલકાજી વિસ્તારના રિક્શાવાળાઓને વિશ્વાસમાં લીધા હતા. એમની સાથેની વાતચીત દરમિયાન પીપીઇ કીટજ ચોરને પકડવામાં નિમિત્ત બની હતી. જે રિક્શાવાળાએ પીપીઇ કીટવાળાને પેસેંજર તરીકે લીધો હતો તેણે આપેલી માહિતીના આધારે પોલીસ ચોર સુધી પહોંચી ગઇ હતી. એની પાસેથી ચોરીનો પૂરેપૂરો માલ મળી આવ્યો હતો. એની પૂછપરછ ચાલુ હતી.