‘પ્રાકૃતિક કૃષિ સખી’ બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે : રાષ્ટ્રપતિ
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલ-સંમેલન યોજાયું : ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં બે દિવસ સાર્થક ચર્ચાઓ થઈ
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યપાલોની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી અને ચોથા ગ્રુપના કન્વીનર તરીકે ચર્ચાનું નેતૃત્વ કર્યું : પ્રાકૃતિક કૃષિનો વિષય પ્રથમ હરોળમાં રહ્યો
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ભારતના રાજ્યપાલોનું સંમેલન યોજાઈ ગયું. રાજ્યપાલ સંમેલન-2024માં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ રાજ્યપાલોની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે રાજ્યપાલોના ગ્રુપ-4ના કન્વીનર તરીકે ચર્ચાનું નેતૃત્વ કર્યું હતું. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેની પ્રસ્તુતિ કરી હતી.
ભારતના રાજ્યપાલો સમાજની સેવામાં સક્રિય ભૂમિકા ભજવે એટલું જ નહીં રાષ્ટ્રના વિકાસને વેગ આપવામાં શું યોગદાન આપી શકે? એ વિષે વિચાર-વિમર્શ કરવા આયોજિત રાજ્યપાલ સંમેલન-2024 ના શુભારંભ સત્રમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, આ સંમેલનના એજન્ડામાં સમાવિષ્ટ વિષયો આપણા રાષ્ટ્રીય લક્ષ્યની પ્રાપ્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર કરવો એ પણ એક પ્રાથમિકતા છે.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને અગ્રતા આપીને ભૂમિની ફળદ્રુપતા વધારવાની સાથોસાથ ખેડૂતોની આવક પણ વધારવી છે. તેમણે કહ્યું કે, “ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે નિરંતર કામ કરી રહ્યા છે. અન્ય રાજ્યપાલો પણ રાજભવનો દ્વારા પ્રાકૃતિક ખેતીના શ્રેષ્ઠ ઉદાહરણો પ્રસ્તુત કરીને જનજાગૃતિ આણી શકે છે.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલોને આગ્રહપૂર્વક કહ્યું હતું કે, તેઓ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પ્રભાવક સેતુની ભૂમિકા નિભાવે. નાગરિકો અને સામાજિક સંગઠનો સાથે એ પ્રકારે સંવાદ સાધે કે વંચિત લોકો વિકાસયાત્રામાં સામેલ રહે. તેમણે કહ્યું કે, સંવિધાનને સાથે રાખીને રાજ્યપાલો રાજ્યના લોકોના કલ્યાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યપાલ સંમેલનપૂર્વે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાજ્યપાલોની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તમામ રાજ્યપાલોને સંબોધન કરતાં તેમણે જનહિતના રાષ્ટ્રીય અભિયાનોની સફળતા માટે રાજ્યપાલ કઈ રીતે સક્રિય યોગદાન આપી શકે? જનતાના રાજ્યપાલ કેવા હોય? વિભિન્ન કેન્દ્રીય એજન્સીઓ અને સંગઠનો વચ્ચે શ્રેષ્ઠ સમન્વય સધાય એ માટે રાજ્યપાલની ભૂમિકા શું હોઈ શકે? એ વિશે વિમર્શ કરીને બે દિવસના સંમેલન દરમિયાન થનારી ચર્ચા વિચારણા માટે માર્ગદર્શક અભિપ્રાય આપ્યો હતો.
તારીખ 2 અને 3 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા રાજ્યપાલ સંમેલનમાં રાજ્યપાલોના છ પૃથક સમૂહમાં અલગ-અલગ વિષયો પર વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રુપ-4ના કન્વીનર તરીકે આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી એસ. અબ્દુલ નઝીર, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટેનન્ટ જનરલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાઈક, ઓરિસ્સાના ગવર્નર શ્રી રઘુબીર દાસ સાથે ‘માય ભારત‘, ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત‘, એક પેડ મા કે અને પ્રાકૃતિક ખેતી અભિયાનમાં રાજ્યપાલની ભૂમિકા વિશે ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં રમત-ગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, વન અને પર્યાવરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી કીર્તિવર્ધન સિંહ, કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ભગીરથ ચૌધરી તથા વરિષ્ઠ સચિવોએ ભાગ લીધો હતો.
રાજ્યપાલ સંમેલનના અંતિમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રુપ-4માં રાજ્યપાલો અને કેન્દ્રીય મંત્રીઓ તથા અધિકારીઓ સાથે થયેલા વિચાર‘વિમર્શની ફલશ્રુતિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી તથા તમામ રાજ્યપાલો સમક્ષ પ્રસ્તુત કરી હતી.
સમાપનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્રમાં આગામી બે વર્ષમાં દેશમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી જોડવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. તેમણે તમામ રાજ્યપાલોને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને જાગૃત કરવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, આથી પ્રાકૃતિક ખેતીને તો વેગ મળશે જ, ખેડૂતોને પણ ફાયદો થશે. ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓને પ્રાકૃતિક ખેતીની પાંચ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના આ મહાઅભિયાનની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ ‘પ્રાકૃતિક કૃષિ સખી‘ બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે એવું સૂચન કર્યું હતું.
તેમણે કહ્યું કે, રાજ્યપાલોની સક્રિય ભાગીદારીથી આ સંમેલનમાં રાષ્ટ્રીય મહત્વના વિભિન્ન મુદ્દાઓ વિશે સાર્થક ચર્ચા થઈ. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીએ પણ તેમના વક્તવ્યમાં રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ વિશે માર્ગદર્શન આપ્યું. મહત્વના રચનાત્મક અભિપ્રાયો માટે રાષ્ટ્રપતિએ રાજ્યપાલોની પ્રશંસા કરી હતી અને આ સંમેલનના નિષ્કર્ષને કાર્યરૂપ આપવા અનુરોધ કર્યો હતો.