Western Times News

Gujarati News

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તા.૧૪મીએ મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદઘાટન કરશે

૩૦ દિવસ સુધી યોજાશે પ્રેરણાત્મક કાર્યક્રમોની હારમાળા

અમદાવાદ, માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે, તેની તૈયારીઓ રૂપે ૬૦૦ એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવ સ્થળ ૨૫૦ કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવી છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક-આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક તક પૂરી પાડે છે.

મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન ૨૧૦૦ સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. ૧૦ એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્‌યાં છે. કુલ ૨૧૦૦થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં ૬ મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે.

ગ્લો ગાર્ડનમાં ૧૫૦થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે. મહોત્સવ સ્થળે કુલ ૭ પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર ૩૮૦ ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની ૮ ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે.

શ્રીમદ્‌ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્‌ વલ્લભાચાર્ય, શ્રીમદ્‌ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, શ્રી નરસિંહ મહેતા, શ્રી મીરાંબાઈ તેમજ શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ ૨૮ પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં ૪૦ ફૂટ પહોળી અને ૧૫ ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ ૩૦ ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. જેમાં ચોવીસેય કલાકોની પ્રસ્તુતિ દર્શનીય છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે.

મહોત્સવના વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ૧૮૦ ફૂટ પહોળા મંચ પર ૩૦૦ થી વધુ કલાકાર બાળકો-યુવકો પ્રસ્તુતિ કરશે, જેને એક સાથે ૨૦,૦૦૦ કરતા વધુ પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણી શકશે. મહોત્સવ સ્થળના નિર્માણમાં અત્યાર સુધીમાં કુલ ૬૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો આવી ચૂક્યા છે. મહોત્સવ સ્થળની આ તમામ વ્યવસ્થાઓને જાળવવા માટે ૮૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે તા. ૧૨ ડિસેમ્બરથી મહોત્સવના અંત સુધી કાર્યરત રહેશે.

મહોત્સવના વિવિધ કાર્યક્રમોથી ૩૦ દિવસ સુધી મહોત્સવના વિવિધ સભામંડપો ગુંજતા રહેશે, જેમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો, વિદ્વત્તાસભર સેમિનારો અને પરિષદો, પ્રોફેશનલ્સ સંમેલનો સહિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તા. ૧૪ ડિસેમ્બરે સાંજે ૫.૦૦ થી ૭.૩૦ દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થશે.

‘નારી ઉત્કર્ષ મંડપમ’માં રોજ બપોરે ૨.૩૦ થી ૪.૩૦ દરમ્યાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપશે. ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે ૫.૦૦ થી ૭.૩૦ દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે. જેમ કે – તા. ૧૫ ડિસેમ્બરે ગૃહમંત્રીશ્રી અમીતભાઈ શાહથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૩૦ દિવસીય કાર્યક્રમોના ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’નો આરંભ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.