Western Times News

Gujarati News

અંબાજી મંદિરમાં પ્રસાદમાં ફરાળી ચિક્કી પણ મળશે

અંબાજી, ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજીમાં દેશ-વિદેશથી માઈભક્તો દર્શન કરવા આવે છે. કોઈપણ દેવસ્થાનમાં દર્શન કર્યા બાદ ત્યાંના પ્રસાદનું પણ અનેરું મહત્વ હોય છે. શક્તિપીઠ અંબાજીમાં અપાતો મોહનથાળનો પ્રસાદ વર્ષોથી પ્રચલિત છે.

માતાજીના આશીર્વાદની સાથે મોહનથાળનો સ્વાદિષ્ટ પ્રસાદ ભક્તો ભાવપૂર્વક ખાય છે. જાેકે, મોહનથાળ ઉપવાસમાં ના ખાઈ શકાતો હોવાથી જે-તે દિવસે મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તોને ઉપવાસ હોય તો તે લઈ નહોતા શકતાં. એવામાં હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવીન પહેલ કરવામાં આવી છે. મોહનથાળના પ્રસાદની સાથે ફરાળી પ્રસાદનું વિતરણ પણ શરૂ કર્યું છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઈભક્તો માટે ફરાળી ચિક્કીના પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષોથી આ મંદિરમાં માત્ર મોહનથાળનો પ્રસાદ મળતો હતો પરંતુ હવેથી ફરાળી ચિક્કીનો પ્રસાદ પણ મળશે.

શ્રાવણ માસના પ્રથમ દિવસથી ફરાળી પ્રસાદ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દેશ-વિદેશથી ભક્તો અંબા માના દર્શન કરવા માટે અંબાજી આવે છે ત્યારે તેઓ પોતાની સાથે પણ પ્રસાદ લઈ જઈ શકે અને લાંબા સમય સુધી સાચવી શકાય તે હેતુસર સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ચિક્કીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે આ માહિતી આપી હતી.

શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ફરાળી ચિક્કીનું વિતરણ શરૂ કરતાં માઈભક્તોએ પણ આ પહેલને આવકારી હતી. અત્યાર સુધી ઉપવાસ કરતાં ભક્તો મોહનથાળનો પ્રસાદ ખાઈ નહોતા શકતાં પરંતુ હવેથી ઉપવાસના દિવસે પણ તેઓ માતાજીના આશીર્વાદ રૂપી પ્રસાદ ખાઈ શકશે તેનો સંતોષ છે. ફરાળી ચિક્કીનો પ્રસાદ સીંગ-તલ, ખાંડના મિશ્રણથી બનાવવામાં આવ્યો છે. ૧૦૦ ગ્રામ ચિક્કીનું એક બોક્સ ૨૫ રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.