પ્રસાદ મિલ્સના કામદારોને ૧૯૮૮થી તેમનાં બાકી મહેનતાણાંના ચૂકવણા માટે સર્વોચ્ચ અદાલતનો હુકમ
અમદાવાદ, રજિસ્ટ્રારશ્રી (ઇન્સ્પેક્શન એન્ડ ફાઇનાન્સ) અને કમિટી અધ્યક્ષ, હાઇકોર્ટ ઓફ ગુજરાતની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતના તા.૦૫/૦૨/૨૦૨૪ ના આદેશથી પ્રસાદ મિલ્સ લિમિટેડના કામદારોને વર્ષ ૧૯૮૮થી તેમના બાકી મહેનતાણાના ચૂકવણા માટે હુકમ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને રચવામાં આવેલ સમિતિએ બાકી મહેનતાણું ચૂકવવાની કાર્યવાહી ચાલુ કરી છે. જે અંતર્ગત કુલ ૧૪૨૯ કામદારોને તેનો લાભ મળવાપાત્ર થાય છે. જેમાંથી આજ દિન સુધીમાં આશરે ૪૭૫ કામદારોએ તેમના નિયત અરજી પત્રકો રજૂ કરી દીધા છે. તેમાંથી ૩૫૦ જેટલા કામદારોને મહેનતાણુ ચૂકવી આપવામાં આવ્યું છે.
પ્રસાદ મિલ્સ લિમિટેડમાં કામ કરતા અને ઉપરોકત દાવામાં પક્ષકાર તરીકે જોડાયેલા કોઈ પણ કામદારે પોતાની અરજી, પ્રેસનોટ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસમાં ઓફિશિયલ લિક્વિડેટરની કચેરી, ત્રીજો માળ, કોર્પોરેટ ભવન, ઝાયડસ હોસ્પિટલ પાછળ, એસ.જી. હાઈવે, થલતેજ, અમદાવાદ સમક્ષ રજૂ કરવાની રહેશે.
આ અખબારી યાદીના માધ્યમથી પ્રસાદ મિલ્સ લિમિટેડના વધુમાં વધુ કામદારો સર્વોચ્ચ અદાલતના ઉપરોકત હુકમથી અવગત કરવાનો છે તેમ અખબારી યાદીમાં ઉમેર્યું છે.