મુંબઈમાં ધરાશયી થયેલા બિલ્ડીંગ પર બની રહેલી ફિલ્મમાં સૈફ અલી ખાનના સ્થાને પ્રતિક ગાંધી

વેબ સિરીઝ સ્કેમ 1992થી રાતોરાત સ્ટાર બનનાર ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીનું નસીબ ચમકી રહ્યું છે. તેને રાહુલ ધોળકિયાની ફિલ્મ મળી છે. જેમાં સૈફ અલી ખાન ફાઇનલ હતો. પરંતુ અચાનક તેણે ફિલ્મ છોડી દેતા આ પ્રોજેક્ટ પ્રતીકની ઝોળીમાં આવી ગયું.
સૌને ચોંકાવનારી એવી વાત બહાર આવી છે કે ધોળકિયાની આ ફિલ્મમાં પહેલા સૈફ અલી ખાન હતો. તે આ ફિલ્મ સાઈન કરી ચૂક્યો હતો તેમજ ફિલ્મ માટે ડેટ્સ પણ આપી ચૂક્યો હતો. પરંતુ અચાનક કંઈક એવું થયું કે તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જ્યારે તેણે આ ફિલ્મ છોડી તો રાહુલે વિલંબ કર્યા વગર પ્રતીક ગાંધીને આ ફિલ્મ માટે સાઈન કરી લીધો.
પ્રતીકને સ્કેમ 1992માં હર્ષત મહેતાના રોલમાં જોરદાર લોકપ્રિયતા મળી હતી. જો કે બોલિવૂડમાં હીરો તરીકે તેની ડેબ્યુ ફિલ્મ ભવઈ (2021) ફ્લોપ રહી હતી. અગ્નિમાં પ્રતીકની સાથે એક્ટ્રેસ સંયમી ખેર સહિત ત્રણ અન્ય કલાકાર છે.
અગ્નિ 2019માં મુંબઈના ડોંગરી વિસ્તારમાં કેસરબાઈ ચાલીની ઘટના પર આધારિત છે. 16 જુલાઈ 2019ના રોજ દક્ષિણ મુંબઈના ડોંગરીમાં એક ચાર માળની બિલ્ડિંગ પડી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા તેમજ ઘણા લોકોના મોત થયા હતા. આ બિલ્ડિંગ લગભગ 100 વર્ષ જૂની હતી. આ બિલ્ડિંગમાંથી લોકોને બચાવવામાં લગભગ 30 કલાક લાગ્યા હતા. આ ઘટનાના સમયે બચાવકર્મીઓ તેમજ સામાન્ય લોકો આપત્તિમાં ફસાયેલા લોકોને બચાવવા આગળ આવ્યા હતા
આ ઘટનામાં સારી કામગીરી બદલ ચાર ફાયરમેનને રાષ્ટ્રપતિ ફાયર સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ફાયરમેનમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર યશવંત જાધવ, સિનિયર સ્ટેશન ઓફિસર ઉમેશ પાલંડે, લીડિંગ ફાયરમેન તુકારામ પાટીલ અને ફાયરમેન સતીશ સિંગાજડે હતા. આ ફિલ્મમાં આ બધાના પરિવાર અને અંગત જીવનને પણ બતાવવામાં આવશે.
અગ્નિમાં પ્રતીક ગાંઘીની અપોઝિટ સાઈ તામ્હનકર જોવા મળશે. તે સિવાય દિવ્યેંદુ શર્મા અને સંયમી ખેર પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયાના સમાચાર છે. તેનો મુખ્ય હિસ્સો મુંબઈ અને દિલ્હીમાં શૂટ કરવામાં આવશે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની ફિલ્મના પ્રોડ્યુસર છે.