અમદાવાદના ૩૬માં મેયરપદે પ્રતિભા જૈનની વરણી
બોડકદેવ વોર્ડના સિનિયર કોર્પાેરેટર દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા-દેવાંગ દાણીએ હિતેશ બારોટ પાસેથી જવાબદારી સંભાળી છે.
અમદાવાદ, ગુજરાતની આર્થિક રાજધાની અને રાજ્યના તમામ કોર્પોરેશનમાં સૌથી સમૃદ્ધ ગણાતા એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના પ્રતિષ્ઠિત હોદ્દા પર ભાજપ મોવડી મંડળના સામૂહિક નિર્ણય હેઠળ શાહીબાગ વોર્ડના કોર્પોરેટર અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા પ્રતિભા જૈનની વરણી કરાઈ છે.
ખાસ મળેલા મ્યુનિ. બોર્ડમાં પ્રતિભા જૈનને ચૂંટી કાઢી વિદાય લેતા મેયર કિરિટ પરમારે તેમને માનપૂશ્ર્વક મેયરની ખુરશી પર બેસાડયા હતા. તેમણે શહેરના પ્રથમ નાગરિક અને ૩૬મા મેયર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં વિદાય લેતા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણાસિંહ રાજપૂતની પહેલી અઢી વર્ષની ટર્મ પૂર્ણ ગઈ હોઈ આ પાંચ ઉચ્ચ હોદ્દા પર નવા હોદ્દેદારોની વરણી કરવા માટે લાંબા સમયથી અનેક નામોની ચર્ચા ચાલતી હતી, જેમાં મેયરપદે પ્રતિભા જૈન, અનસૂયા પટેલ, વંદના શાહ, શિતલ ડાગા, સ્નેહાકુમારી પરમાર, મોના રાવલ, ચાંદની પટેલ, જલ્પા પંડ્યા વગેરે કોર્પોરેટરના નામ ચર્ચામાં હતા.
આ ચર્ચાતા નામો પૈકી ભાજપ મોવડી મંડળે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પ્રતિભા જૈનને મેયર તરીકે પસંદ કર્યા છે. આ વખતે જનરલ કેટેગરી ધરાવતા મહિલા મેયરની જાેગવાઈ હોવાથી ત્રીજી ટર્મ ધરાવતા પ્રતિભા જૈનના અન્ય પાસાઓમાં તેઓ સ્વચ્છ છબી ધરાવે છે તેમજ પ્રતિષ્ઠિત જૈન પરિવારમાંથી આવતા હોઈ તેમના નામે કોઈ વિવાદ સર્જાયો નથી.
મ્યુનિસિપલ બોર્ડની ખાસ બેઠક શરૂ થતં પહેલાં શહેર પ્રમુખ અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્ર શાહ વગેરે આગેવાનોના નેતૃત્વમાં મળેલી કોર્પોરેટરોની બેઠકમાં ભાજપ મોવડી મંડળે પસંદ કરેલા દંડક સિવાયના ચાર હોદ્દેદારોના નામથી જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત મુજબ બાદમાં મ્યુનિ. બોર્ડમાં જે તે ઉચ્ચ હોદ્દેદારને ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
ડેપ્યુટી મેયરનો કાર્યભાર સંભાળનાર જતીન પટેલ ઘાટલોડિયા વોર્ડના સિનિયર કોર્પોરેટર છે. તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે પણ પ્રબળ દાવેદાર હતા. ત્રીજી ટર્મના જતીન પટેલના બદલે ભાજપ નેતૃત્વએ બોડકદેવવોર્ડના ત્રીજી ટર્મ ધરાવતા દેવાંગ દાણી શાંત પ્રકૃતિના છે
તેમજ અવિવાહિત અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. તેઓ શહેરના ૩૮મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. વણિક સમાજમાંથી આવતા દેવાંગ દાણીની નિમણૂકને સર્વત્ર આવકાર મળ્યો છે, જ્યારે જતીન પટેલને ડેપ્યુટી મેયરપદની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્ય કક્ષાના એક પ્રધાન સાથે સારો ઘરોબો ધરાવતા અને ભાઈપુરા વોર્ડમાંથી પહેલી વખત ચૂંટાયેલા ગૌરાંગ પ્રજાપતિને મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા બનાવાયા છે. આજથી આ ચારેય મહાનુભાવો આગામી અઢી વર્ષ સુધી મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવશે, જ્યારે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ લખાય છે ત્યાં સુધી દંડકના નામથી જાહેરાત કરવામાં આવી નથી.
દેવાંગ દાણીએ હિતેશ બારોટ પાસેથી જવાબદારી સંભાળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ દૂર ન જઈએ અને વર્ષ ર૦૦પથી શરૂ થયેલા ભાજપના શાસનની વિગત તપાસીએ તો સૌથી પહેલાં મધુબહેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન બન્યા હતા.
ત્યારબાદ અસિત વોરા, બે મુદત સુધી હાલના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બે મુદત સુધી પ્રવિણ પટેલ, અમૂલ ભટ્ટ અને છેલ્લે હિતેશ બારોટે ગત તા.૧૦ માર્ચ, ર૦ર૧થી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સંભાળી હતી. હિતેશ બારોટની મુદ્દત પૂરી થવાથી તેમની જગ્યાએ ઓછા બોલા અને સૌમ્ય પ્રકૃતિના દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે.