પ્રતિક ગાંધીનો ડેવિડ ધવનને પડકાર મંચ પર આવીને નાટક કરી બતાવો
મુંબઈ, એક્ટર પ્રતિક ગાંધી હાલ તેની ઓટીટી ફિલ્મ ‘અગ્નિ’ને મળી રહેલાં પ્રતિસાદ અને સફળતાથી હાલ ખુશ છે. રાહુલ ધોળકિયાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ હાલ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
‘અગ્નિ’ ફાયરફાઇટરના જીવન પર આધારીત ફિલ્મ છે. જેમાં પ્રતિક ગાંધી ફાયર સ્ટેશનના ચીફ વિઠ્ઠલરાવ ધોન્દુબા સર્વેનો રોલ કરે છે.તાજેતરમાં પ્રતિક ગાંધીએ આ ફિલ્મ બાદ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મની સફળતા અંગે વાત કરી હતી. તેણે કહ્યું, “મારા માટે આ ફિલ્મ એક આંખ ઉઘાડનારી ફિલ્મ હતી. આપણે આ બહાદુર લોકોને જોઈએ છીએ, જે લોકો અજાણ્યા લોકો માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે.
પરંતુ આપણે ક્યારેય એમની બહાદુરીની નોંધ લેતા નથી. અગ્નિએ સુંદર રીતે એ કામ કર્યું છે અને તેને જે પ્રતિસાદ મળ્યો છે, તે જોઇને ખુબ આનંદ થાય છે.”ઘણા લોકોનો એવો મત છે કે અગ્નિ જો મોટા પડદે રિલીઝ થઈ હોત તો લોકોને વધુ મજા આવી હોત.
આ અંગે પ્રતિકે કહ્યું, “હા હું સહમત છું કે જો થિએટરમાં રિલીઝ થઈ હોત તો લોકોને અલગ અનુભવ મળ્યો હોત. જોકે, મારે એ પણ સ્વીકારવું જોઈએ કે ઓટીટીના કારણે ફિલ્મને ઘણી સફળતા મળી છે. તેના કારણે અમે બહુ બહોળા દર્શકવર્ગ સુધી પહોંચી શક્યા છીએ.
જ્યાં સિનેમા હોલ નથી ત્યાં પણ આ ફિલ્મ પહોંચી શકી છે. તેથી હું ખરેખર ખુશ છું કે ફિલ્મ ઓટીટી પર આવી.”હંસલ મહેતાની ‘સ્કેમ ૧૯૯૨’ પછી પ્રતિક ગાંધી ઘર ઘરમાં જાણીતો ચહેરો બની ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે રહેલો દિવ્યેંદુ પણ ઓટીટીનો એક જાણીતો ચહેરો છે.
ત્યારે થોડાં વખત પહેલા ફિલ્મ ડિરેક્ટર ડેવિડ ધવને ઓટીટીના કલાકારોની ટીકા કરતા કહ્યું હતું કે, “થિએટરમાં આવો અને તમારી ઔકાત બતાવો.”આ નિવેદન અંગે પ્રતિસાદમાં પ્રતિકે કહ્યું, “મને ખબર નથી એમણે આ વાત કયા સંદર્ભે કહેલી.
પરંતુ એક કલાકાર તરીકે, હું દરેક માધ્યમ પર કામ કરવા માગું છું. એમ તો લોકો એવું પણ કહી શકે કે તમે બે કલાકમાં પડદા પર કામ કરી લો છો, તો ખરા દર્શકો સામે રંગમંચ પર આવીને ૨ કલાકનું નાટક કરી બતાવો. કોઈ પણ કહી શકે છે પરંતુ એનો અર્થ એવો નથી કે એક બાબત નાની છે અને બીજી મોટી છે.
દરેક માધ્યમના પોતાના પડકારો હોય છે અને મને દરેક માધ્યમમાં કામ કરવું ગમે છે.” પ્રતિકે કહ્યું કે ૨૦૨૪નું વર્ષ તેના માટે ઘણું સંતોષકારક રહ્યું છે હવે તે ૨૦૨૫માં તેની સિરીઝ ગાંધી રિલીઝ થાય તેની રાહ જુએ છે.SS1MS