Western Times News

Gujarati News

છેલ્લા બે દાયકામાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને સેવાના અભિગમ દ્વારા ગુજરાત વિકાસમાં અગ્રેસર બન્યું

AIANA અને TV9 ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વના સમાપન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આપી હાજરી

પ્રવાસી ગુજરાતીઓ અને ભારતીયોએ હંમેશા વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મુક્યો છે.

વિશ્વભરના 20 દેશો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી 2,500થી વધુ અગ્રણીઓએ બે દિવસ દરમિયાન વિવિધ સત્રોમાં લીધો ભાગ

પ્રવાસી ગુજરાતી પર્વમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સિદ્ધિના શિખરો સર કરી રહ્યું છે. ભારત વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બન્યું છે. ત્યારે વિશ્વમાં ભારતની શક્તિ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની નીતિની ચર્ચાઓ થઈ રહી છે. આવા સમયે પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન વિશેષ ગણાવી મુખ્યમંત્રીશ્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યું હતું.

AIANA અને TV9 ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે 15 અને 16 ઓક્ટોબર એમ બે દિવસ પ્રવાસી ભારતીય પર્વ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના 20 દેશો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી 2,500થી વધુ અગ્રણીઓ સામેલ થયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશ આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે, ત્યારે ભારતીય સમુદાયના યોગદાનની નોંધ લેવાનો આ યોગ્ય સમય છે. શ્રી નરેન્દ્રભાઈ હંમેશા પ્રવાસી ભારતીયોની પડખે રહ્યા છે, તેમને રાજ્ય તથા દેશના વિકાસમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું છે અને  આવકાર્યા છે.

વિદેશમાં વસતા ભારતીયો પાસે વૈશ્વિક એક્સપોઝર અને અનુભવ છે અને તેમને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે તત્પર હોય છે. વિકાસયાત્રામાં તેમના યોગદાનથી આત્મનિર્ભર ભારતનો માર્ગ પ્રબળ બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતી સમુદાયે સવાયા ગુજરાતી બનીને માતૃભૂમિનું ઋણ અદા કર્યું છે. આજે ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં વિકાસની નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે, જેમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત દરેક રીતે દેશનું મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ગણાય છે.

તેમણે કહ્યું કે, નીતિ આયોગ રીપોર્ટ પ્રમાણે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પણ ગુજરાત અગ્રણી છે. આપણું રાજ્ય છેલ્લા ત્રણ વર્ષથી આ ક્ષેત્રે બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યું છે. ગુજરાતમાં વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. વિકાસને વધુ આગળ ધપાવવા માટે પીએમ ગતિશક્તિ હેઠળ માસ્ટર પ્લાન બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.

વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં રાજ્યના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક વર્ષમાં સાત નવી નીતિ બનાવી છે, જે રાજ્યને વિકાસના પથ પર આગળ વધારવા યોગદાન આપશે. એવો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

પ્રવાસી ગુજરાતી પર્વના સમાપન સમારોહમાં વૈષ્ણચાર્ય શ્રી દ્વારકેશલાલજી, ભગવાદાચાર્ય શ્રી રમેશ ઓઝા તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ દરમિયાન આયોજિત થયેલા વિવિધ સત્રોમાં અલગ અલગ દેશોમાંથી હાજરી આપવા આપેલા પ્રવાસી ગુજરાતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.