મહાકુંભને કારણે અમદાવાદથી ફ્લાઇટ ટિકિટના ભાવ ૩૦થી ૩૫ હજાર રૂપિયા થઈ ગયા
અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ
અમદાવાદ, અમદાવાદથી પ્રયાગરાજ સીધી ફ્લાઇટની ટિકિટ સામાન્ય દિવસોમાં ૭ હજાર રૂપિયા આસપાસ હોય છે, પરંતુ મહાકુંભને કારણે અમદાવાદથી ફ્લાઇટ ટિકિટના ભાવ ૩૦થી ૩૫ હજાર રૂપિયા થઈ ગયા છે. અમદાવાદથી પ્રયાગરાજનું ભાડું દુબઈ, શ્રીલંકા અને વિયતનામ કરતા પણ મોંઘુ થઈ ગયું છે. આ ઉપરાંત લોકો અમદાવાદથી લખનૌ અને અન્ય એરપોર્ટ પર ઉતરીને કુંભના મેળામાં પહોંચવા પ્રયાગરાજ જઈ રહ્યા છે.
પરંતુ લખનૌથી પ્રયાગરાજ સુધીનું અંતર અંદાજીત 200 કિલોમીટર જેટલું છે. જેનું ટેક્સી ભાડું હાલમાં ટેક્સી ચાલકો પાસે લગભગ 20 હજાર સુધીનું વસુલી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી મહાકુંભ મેળાની શરૂઆત થઈ હતી. મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે દેશ-વિદેશથી ભક્તો પહોંચી રહ્યાં છે. મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યાં છે અને જવાના છે. પરંતુ ગુજરાતમાંથી પ્રયાગરાજ પહોંચવું મોંઘુ પડી રહ્યું છે.
પ્રયાગરાજ જવા માટે ગુજરાતથી મર્યાદિત સંખ્યામાં ટ્રેન સેવા ચાલી રહી છે. રેલવેએ જરૂર સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરી છે પરંતુ ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ તરફ જતી બધી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. તેવામાં ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે.
આ વચ્ચે ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે ગુજરાતથી સપ્તાહમાં માત્ર ત્રણ ટ્રેન જતી હોવાને કારણે લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે. ટ્રાવેલર્સે સરકાર પાસે ગુજરાતથી પ્રયાગરાજ દરરોજ બે ટ્રેન ચલાવવાની માંગ કરી છે. ટ્રાવેલર્સનું કહેવું છે કે ફ્લાઇટના ભાડા લોકોને પોસાય તેમ નથી.