પ્રયાગરાજ મહાકુંભ ઉત્સવમાં વિશ્વભરમાંથી આશરે ચાલીસ કરોડથી પણ વધુ લોકો આવવાનો અંદાજ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો સૌથી મોટો ઉત્સવ લગભગ પિસ્તાલીસ દિવસ સુધી ચાલવાનો છે. -એક રીતે મહાકુંભમાં રાજ્ય સત્તા, સમાજ સત્તા અને ધર્મ સત્તાનો પણ સમાગમ થાય છે
વર્ષ ર૦૧૭માં યુનેસ્કોએ જેને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપ્યો છે એવા કુંભનો પ્રયાગરાજ તીર્થક્ષેત્રમાં પ્રારંભ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેરમી જાન્યુઆરીના માગસરના મેળા સાથે આ મહાકુંભની શરૂઆત થવાની છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો સૌથી મોટો ઉત્સવ લગભગ પિસ્તાલીસ દિવસ સુધી ચાલવાનો છે. આ ઉત્સવમાં વિશ્વભરમાંથી આશરે ચાલીસ કરોડથી પણ વધુ લોકો આવવાનો અંદાજ છે. જ્ઞાન, આસ્થા અને સાધાનાનું કેન્દ્ર એવા આ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ આવશે અને ગંગા, યમૂના અને સરસ્વતીના સંગમસ્થાને શ્રદ્ધાપૂર્વક ડૂબકી લાગવશે.
વિશ્વના સૌથી પ્રાચીન અને સૌથી મોટા મેળામાં કરોડો લોકો આવવાના હોવાથી હાલ મેળાની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવા ઘાટનું નિર્માણ, પરિવહન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર અને સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જેવી બાબતો પર ત્યાંની રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. પ્રયાગ ક્ષેત્રના આ કુંભનું ભવ્ય દિવ્ય આયોજન ન માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક છે પણ એ ભારતીય લોકતાંત્રિક મૂલ્યો, વિવિધતા અને સહિષ્ણુતાનું એક અદ્વિતીય ઉદાહરણ પણ છે.
આપણા ધર્મચાર્યોના મત અનુસાર કુંભમેળો અનાદિ છે. એટલે કે, તેનો પ્રારંભ કોઈ ઘટનાથી થયો નથી. માનવ સભ્યતા સાથે જ તેની પરંપરા પણ વિકસીત થઈ છે. કુંભ મેળો અને એનું આયોજન માનવતાની એક એવી અનન્ય ધરોહર છે જેમાં ધર્મ, સંસ્કૃતિ અને સમાજનો અદ્દભૂત ત્રિવેણી સંગમ રચાય છે. આવા પવિત્ર, દિવ્ય અને ભવ્ય મહાકુંભનું અનેરું પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ છે.
આ મેળો આપણી ભારતીય સંસ્કૃતિનો એવો પવિત્ર ઉત્સવ છે જેની ગૂંજ પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સાંભળવા મળે છે. આ મેળો ઈતિહાસ, ધર્મ, દર્શન અને સમાજના અદ્વિતીય સમાગમનો જયઘોષ કરે છે. આ મેળો માત્ર આસ્થાનું પ્રતિક જ નથી પણ સાથે એ ભારતીય દર્શન, પરંપરા અને ખગોળીય વિજ્ઞાનનો અદ્દભૂત સંગભ પણ છે.
આપણી પૌરાણિક માન્યતાઓ અનુસાર અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું હતું. સમુદ્રમંથન સમયે નીકળેલા અમૃતકળશને લેવા માટે દેવો-દાનવો વચ્ચે થયેલી ખેંચતાણ દરમિયાન અમૃતકળશમાંથી ચાર બુંદ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં પડયા હતા. બસ, આ જ કારણથી આ ચાર સ્થાનોએ કુંભનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન હોવાથી તેની ઉત્પત્તિનો સમય સ્પષ્ટ રીતે જાણવા મળતો નથી તેમ છતાં મહાકુંભનો ઉલ્લેખ વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં મળી આવે છે.
વિષ્ણુપુરાણમાં મળતા ઉલ્લેખ મુજબ જ્યારે ગુરૂ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન કરવામાં આવે છે જ્યારે સૂર્ય અને ગુરૂસિંહ રાશિમાં હોય છે ત્યારે નાસિકમાં આયોજન થાય છે. જ્યારે ગુરૂ કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યાં કુંભ ઉજ્જૈનમાં યોજાય છે. પ્રયાગરાજમાં માગશર અમાવસના દિવસે સૂર્ય અને ચંદ્રમાં મકર રાશિમાં હોય અને ગુરૂ મેષ રાશિમાં હોય છે ત્યારે કુંભ યોજાય છે. ઈતિહાસકારો માને છે કે કુંભમેળો સિંધુખીણની સભ્યતાથી પણ પ્રાચીન છે. અમુક ઈતિહાસકારો અનુસાર કુંભમેળાનું આયોજન ગુપ્ત કાળ એટલે કે, ત્રીજી પાંચમી સદીમાં સુવ્યવસ્થિત રીતે શરૂ થયું હતું.
ચીની યાત્રા હ્યુ-એન-ત્યાંગે પણ સને ૬ર૯થી ૬૪પ વચ્ચે સમ્રાટ હર્ષવર્ષનના શાસનકાળ દરમિયાન પ્રયાગરાજના કુંભ મેળાનું આયોજન થયું હોવાનું વર્ણન કર્યું છે. તેણે મેળાના આયોજનને વિશાળ અને ભવ્ય જણાવ્યું હતું. આધુનિક પ્રશાસનિક માળખા હેઠળ કુંભનું સ્વરૂપ ગુપ્તકાળથી શરૂ થયાનું માનવામાં આવે છે. શંકરાચાર્યે મેળાને ધર્મ અને સમાજને સાથે જોડવાનું એક માધ્યમ બનાવ્યું હતું.
કુંભ મેળો ખગોળીય ઘટનાઓ પર આધારિત છે. સૂર્ય, ચંદ્ર, ગુરૂ અને શનિની સ્થિતિ આ આયોજન માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. અમૃતની રક્ષામાં આ ગ્રહોની ભૂમિકા પુરાણોમાં વિશેષ રીતે રેખાંકિત કરવામાં આવી છે. એ હિસાબે કુંભમેળાનું આયોજન દર ત્રણ વર્ષના અંતરે કરવામાં આવે છે. ચાર પવિત્ર સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતે વારાફરતી આ મેળાને આયોજિત કરવામાં આવે છે. એટલે કે, બાર વર્ષના ચક્ર બાદ મેળો મૂળ સ્થાને પૂરત ફરે છે.
પ્રયાગરાજના કુંભનું વિશેષ મહત્ત્વ છે કેમ કે, અહીં
ગંગા-યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. કુંભ મેળો દર ૧ર વર્ષે એક વખત આયોજિત કરવામાં આવે છે જ્યારે દર વર્ષે અર્ધકુંભ અને ૧૪૪ વર્ષે મહાકુંભ યોજાય છે. દર ૧૪૪ વર્ષે આયોજિત થતાં મહાકુંભને દેવતાઓ અને મનુષ્યનું સંયુક્ત પર્વ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાઓ માટે એક દિવસ બરાબર છે. એટલે એ ગણતરી મુજબ ૧૪૪ વર્ષના ગાળામાં મહાકુંભ મનાવવામાં આવે છે. આ મેળો સનાતન ધર્મની એ દૃષ્ટિએ પ્રતિબિંબિત કરે છે જેમાં સત્યની શોધને પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં કોઈના પર કોઈ માન્યતા થોપતું નથી. અહીં સૌને પોતપોતાની સાધના પદ્ધતિમાં વિશ્વાસ કરવાનો અધિકાર છે.
દુનિયા માટે આશ્ચર્ય ગણાતો મહાકુંભ ન માત્ર ભારતમાં પણ આખા વિશ્વમાં એક અદ્વિતીય આયોજન મનાય છે. પશ્ચિમી ધર્મોમાં સામાજિક અને રાજનૈતિક ઘટનાઓનું ઘણું મહત્ત્વ છે. પણ ત્યાં કોઈ દાર્શનિક કે આધ્યાÂત્મક ઘટનાની આ પ્રકારની માન્યતા નથી. વળી કુંભમેળાનો ખગોળિયા આધાર અને તેનું આધ્યાÂત્મક મહત્ત્વ પશ્ચિમી વિચારધારા માટે ખુદ એક મોટું આશ્ચર્ય છે.
આજે આ મેળો માત્ર ભારતીયો પૂરતો સિમિત નથી રહ્યો. વિદશી પત્રકાર, શ્રદ્ધાળુઓ અને પર્યટકો પણ આ મેળામાં સહભાગી થાય છે. તેમના માટે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો પરિચય કરવાનો આ એક સોનેરી અવસર છે. પશ્ચિમી દૃષ્ટિકોણથી આ મેળો જીવનની ગૂઢ અવધારણાઓને સમજવાનો એક પ્રયાસ છે. વિદેશી લેખકો અને પત્રકારો આ મેળાને વિશ્વનું સૌથી શાંતિપૂર્ણ આયોજન કહે છે. તેમનું માનવું છે કે, કુંભ મેળો ભારતીય દર્શન અને આધ્યાત્મની વ્યાપકતા દર્શાવે છે.
કુંભમેળો સંતો, તપસ્વીઓ અને ગૃહસ્થો વચ્ચે સેતુંનું કામ કરે છે તે સાધના, જ્ઞાન અને આસ્થાનું કેન્દ્ર છે જ્યાં ગૃહસ્થ જીવન જીવતા લોકો તપસ્વીઓના સત્સંગથી ધર્મનો મર્મ સમજે છે. અમુક સંતો એવા પણ હોય છે. જેઓ સાધના સ્થળોમાંથી કયારેક બહાર આવતા નથી પણ કુંભમાં આવી તેઓ આશીર્વાદ આપે છે.
એક રીતે કુંભમેળાનું આ આયોજન સાધના પરંપરા ગૃહસ્થ પરંપરા અને કુંભ શાસ્ત્રની ત્રિવેણી છે. કુંભ એટલા માટે પણ અનોખો છે કે અહીં સમાજના દરેક વર્ગના લોકો એક સાથે આવે છે. અહીં દરેક વ્યક્તિને પોતાની આસ્થા અને પૂજાપદ્ધતિ સાથે આવવાની અને તેને પ્રગટ કરવાની સ્વતંત્રતા છે. અહીં વિવિધતામાં એકતાની ભારતીય પરંપરાનું જીવન ઉદાહરણ જોવા મળે છ.
એક રીતે મહાકુંભમાં રાજ્ય સત્તા, સમાજ સત્તા અને ધર્મ સત્તાનો પણ સમાગમ થાય છે. મહાકુંભ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સમાજનો એવો સંગમ છે જે ન માત્ર ભારત પરંતુ આખા વિશ્વને એકતા અને સહિષ્ણુતાનો સંદેશ આપે છે. આ આયોજન પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક રીતે પણ અણમોલ છે. મહાકુંભ ભારતીય સમાજની સહઅÂસ્તત્વની ભાવના અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિમ છે. એ ન માત્ર આસ્થાનું પર્વ છે. પણ એક એવો મંચ પણ છે જ્યાં માનવતા, જ્ઞાન અને ચેતનાનું મિલન થાય છે. એવું માનવામાં આવે છે કે કુંભમેળામાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી પણ મુક્તિ મળે છે.