ત્રણ માસ્ટર માઈન્ડે ગુજરાતના ટોલ પ્લાઝા પર નકલી સોફ્ટવેર અપડેટ કરી કરોડોનું કૌભાંડ કર્યુ

પ્રતિકાત્મક
ગુજરાત સહિત ૨૦૦ ટોલ પ્લાઝા પર કૌભાંડ-નકલી સોફ્ટવેર ટોલ પ્લાઝા પર અપલોડ કરી સરકારના કરોડો રૂપિયા ચાઉં કર્યાં
નવી દિલ્હી, દેશભરમાં ૨૦૦ થી વધારે ટોલ પ્લાઝા પર સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ આચરનારા ત્રણ લોકોની એસટીએફના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે.
મિર્ઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી એનએચએઆઈને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે એમસીએનો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે. તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવાયું હતું. આ સોફ્ટવેર ફાસ્ટ ટેગ રહિત વાહનો પાસેથી વસુલવામાં આવતાં બમણાં ટોલ ટેક્સને એનએચએઆઈ સિસ્ટમથી અલગ કરી દેતું હતું.
એસટીએફ અનુસાર, આરોપીઓએ આ સોફ્ટવેરને ૪૨ ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું. આલોક કુમાર સિંહે જણાવ્યું કે, તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું. આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલ કર્મી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી. સમગ્ર કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોક સિંહ, મધ્ય પ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા, પ્રયાગરાજનો રહેવાસી રાજીવ કુમાર મિશ્ર સામેલ હતો.
હાલ, આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજના પોલીસ સ્ટેશનમાં બીએનએસની ધારા ૩૧૬(૨), ૩૧૯(૨), ૩૧૮(૪), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના બે લેપટોપ, એક પ્રિન્ટર, પાંચ મોબાઈલ ફોન અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.