પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન માત્ર કાગળ પર રહ્યો હોવાથી સમસ્યા વધી
પ્રિ- મોન્સૂન પ્લાન ના નામે જમીન નીચેનો ભ્રષ્ટાચાર વધ્યો: શહેઝાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાછલા પખવાડિયામાં થયેલા વરસાદ ના કારણે ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયું હતું. છેલ્લા એક દાયકા માં પ્રથમ વખત જ વરસાદ બંધ થયા બાદ પણ બે- ત્રણ દિવસ સુધી વરસાદી પાણી ભરાઈ રહયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે તેમ છતાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વધી છે જેને વિપક્ષ કોંગ્રેસે જમીન નીચેનો ભ્રષ્ટાચાર કહ્યો છે. આ ઉપરાંત વર્લ્ડ બેન્ક ની લોન મંજુર થયા બાદ સમયસર કામ શરૂ કરવામાં આવ્યા ન હોવાથી વકરી હોવાના આક્ષેપ કર્યા છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ ના જણાવ્યા મુજબ પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત ડ્રેનેજ ડી-સીલ્ટીંગ કરવા તથા મેનહોલ તથા કેચપીટોની સફાઈ કરવા બાબતના કરોડો રૂા ના કામો મંજુર કરવામાં આવ્યા હતાં આ કામો ખરેખર થયા છે કે માત્ર કાગળ પર જ થયા છે? તે બાબત તપાસનો વિષય બને છે. જો આ કામ થયાં હોય તો 6 થી 8 ઇંચ વરસાદમાં નાગરિકો ને હાલાકી થવી જોઈએ નહીં.
શહેરના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. આ તમામ બાબતોથી પુરવાર થાય છે કે પ્રિ-મોન્સૂનના કામ માત્ર કાગળ પર જ થયા છે. વરસાદમાં ટ્રાફિક જામ થવાની તથા પાણી ભરાવવાની આફત કુદરત સર્જીત કરતાં તંત્ર માનવ સર્જીત વધુ હોવાનું લાગે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા એસ.ટી.પી પ્લાન્ટ તથા જુની ડ્રેનેજ લાઈને અપગ્રેડ કરવા માટે વર્લ્ડ બેંક પાસેથી રૂ. ૩૦૦૦ કરોડની લોન લેવામાં આવી છે પરંતુ તેના કામ સમયસર શરૂ થયા ન હોવાથી પાણી ભરાય છે. જેથી ૩૦૦૦ કરોડની માતબર રકમનો દુર્વ્યય ન થાય અને જે હેતુ માટે લોન લેવામાં આવી છે તે કામ ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી બને છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે શહેરની સુરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વર્લ્ડબેંક ની લોન ની પ્રોસીજર માં અસહ્ય વિલંબ થયો હતો. ત્યારબાદ લોન મંજુર થયા બાદ વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ ઘ્વારા પ્રજાના કામો કરવાના બદલે અંગત સ્વાર્થ સાધવા પ્રયાસ કર્યા છે જેના કારણે કેટલાક ટેન્ડર રદ કરવામાં આવ્યા છે અથવા ફરીથી જાહેર કરવાની ફરજ પડી છે.તેથી પ્રજાકીય કામોમાં વિલંબ થયો છે જેના માઠા પરિણામ આ ચોમાસામાં જોવા મળ્યા છે..