આકાશી વિજળીથી બચવા તકેદારી રૂપે લેવાના પગલાઓ
હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ તથા વિજ ગર્જના અંગે આગાહી કરવામાં આવેલ છે. આ સમયે પાટણ જિલ્લાવાસીઓ નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા સંદેશ આપવામાં આવે છે. Precautions to be taken to avoid lightning strikes
આટલું તો જરૂર કરવું.
- વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા.
- ઇલેક્ટ્રીકના ઉપકરણો પાણીની લાઇન તથા ભેજથી દૂર રાખવા.
- વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું.
- તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.
- શોર્ટસર્કીટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી.
- ઘરમાં દરેકને મેઇન સ્વીચની જાણ હોવી જોઇએ.
- ઇલેક્ટ્રીક કામના જાણકાર પાસે જ ઇલેક્ટ્રીક કામ કરાવવું.
- ઇલેક્ટ્રીક કામ કરતી વખતે વીજની અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું.
- ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
- ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઊભા ન રહેવું.
- તમામ ઇલેક્ટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
- ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહીં.
- ઇલેક્ટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહીં.
- પાણીમાં પ્રવેશવું નહીં.
ઈલેક્ટ્રીક શૉક લાગ્યા પછી શું કરવું?
- લાકડા જેવી અવાહક વસ્તુ વડે શૉક લાગનાર વ્યક્તિને વીજ પ્રવાહથી દૂર ખસેડી દેવા.
- મેઇન સ્વીચ બંધ કરીને વીજ પ્રવાહ બંધ કરી દેવો.
- કરંટ લાગનાર વ્યક્તિને શરીર વડે સ્પર્શ કરવો નહીં.
- કરંટ લાગનાર વ્યક્તિ દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.
- કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડૉક્ટરને જાણ કરવી.
- દાજેલ ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાને ઉખાળવું નહીં.
આકાશીય વીજળી વિશે જાણીએ જીવન સુરક્ષિત બનાવીએ
જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે શું કરવું
- વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહો, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ના કરશો.
- બારી, બારણા અને છતથી દૂર રહો.
- વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દૂર રહો, ધાતુથી બનેલા પાઈપ, નળ, કૂવારો, વોશબેશીન વિગેરેના સંપર્કથી દૂર રહો.
જ્યારે તમે ઘરની બહાર હોવ ત્યારે શું કરવું
- ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળો. આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો અને ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જાઓ.
- મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. મજબૂત છતવાળા વાહનમાં રહો.
- ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો. ઘાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલિફોનના ચાંભલા, તારની વાડ, મશીનરી વિગેરેથી દૂર રહો.
- પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાઓ.
- તમારા માથાના વાળ ઊભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સુવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે શું કરવું
- વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર (કાર્ડિયો પલમોનરી રિસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.
આપાતકાલિન સંપર્ક (લેન્ડલાઈન ફોન માટે)
- જિલ્લા કંટ્રોલરરૂમ ૧૦૭૭
- રાજ્ય કંટ્રોલરરૂમ ૧૦૭૦
જે આપત્તિ વ્યવસ્થાપન મામલતદારશ્રી પાટણ ની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.