ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની તૈયારીઓ શરૂ
એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલા રોડ પર તંત્રની નજર
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો સહિતના શહેરના પાંચ વીઆઇપી રોડને અલગ તારવીને આ રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન કર્યાં છે.
અમદાવાદની રોનક ગણાતા એસજી હાઈવે, સીજી રોડ અને જજીસ બંગલો રોડ કાયમ ટ્રાફિકની નાની-મોટી સમસ્યાથી પરેશાન થતો રહ્યો છે. આ રોડ પર વિવિધ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ થતી હોઈ સ્વાભાવિકપણે ફોર વ્હીલરની પણ અવરજવર ખાસ્સી રહેતી હોય છે.
જેના કારણે અમુક લોકો જાણે-અજાણે રોડ પર વાહન પાર્ક કરીને ઓફિસ કે મોલ વગેરેમાં જતા હોય છે. જાેકે હવે હાઈકોર્ટના ઓર્ડરના પગલે મ્યુનિસિપલ તંત્ર પણ એક્શનમાં આવ્યું હોઈ આવી રીતે બેદરકારીપૂર્વક પોતાનાં વાહનને રોડ પર પાર્ક કરીને જવાની પ્રવૃત્તિથી આ લોકોએ સાવચેત રહેવું પડશે.
એસજી હાઈવેના પકવાન ચાર રસ્તાથી થલતેજ ચાર રસ્તા થઈ, ગોતા ચાર રસ્તા, વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર તંત્રએ ઉત્તર-પશ્ચિમ ઝોનના ઇનચાર્જ આસિસ્ટન્ટ ટીડીઓ મોહન રાઠોડને ટ્રાફિકને નડતરરૂપ દબાણ તથા પાર્કિંગ દૂર કરવાના અમલીકરણ અધિકારી તરીકે નીમ્યા છે.
જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર યતીન્દ્ર નાયક સુપરવિઝન અધિકારીની ફરજ બજાવશે. એસજી હાઈવેના ઉજાલા સર્કલથી પ્રહ્લાદનગર, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના રોડના અમલીકરણ અધિકારી તરીકે દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર હિતેશ ચૌહાણ અને સુપરવિઝન અધિકારી તરીકે દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર પૃથ્વીસિંહ ઝાલાની નિમણૂક કરાઈ છે.
સીજી રોડ માટે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હિતેન્દ્ર મકવાણા અને સુપરવિઝન અધિકારી તરીકે પશ્ચિમ ઝોનના આસિ. મ્યુનિ. કમિશનર રાહુલ શાહની નિમણૂક થઈ છે. જજીસ બંગલો રોડ પર ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર નીતિન આહુજા અમલીકરણ અધિકારી અને ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિ. મ્યુનિ. કમિશનર હાર્દિક ઠાકોર સુપરવિઝન અધિકારીની ફરજ બજાવશે.
નારણપુરા ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા થઈ પ્રભાત ચોક માટે મૌલેશ ઘોરેચા અમલીકરણ અધિકારી અને દિવ્યેશ પટેલ સુપરવિઝન અધિકારી તરીકે નિમાયા છે. ઘાટલોડિયાના ડમરું સર્કલથી ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના રોડ માટે મૂકેશ પટેલની અમલીકરણ અધિકારી અને દેવેન ભટ્ટની સુપરવિઝન અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે.