ગુજરાતમાં મતદાન વધારવા માટે તંત્રની તડામાર તૈયારીઓ
(એજન્સી)ગાંધીનગર, લોકસભાની ચૂંટણીમાં ૫૦% થી ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથકો અને બૂથ ચૂંટણી પંચ દ્વારા ઓળખી કાઢવામાં આવ્યા છે. રાજ્યમાં ૨૯૯૧ બુથ પર મતદાન ૫૦% થી ઓછું નોંધાયેલ છે.
આ તમામ બુથ પર વધુ મતદાન કરાવવા માટે ચૂંટણીપંચ દ્વારા કલેકટરોને તાકીદ કરવામાં આવી છે. મે મહિનાની કાળઝાળ ગરમીમા કચ્છ અને સૌરાષ્ટ્રમાં મતદાન વધારવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવ કુમાર તથા જ્ઞાનેશકુમાર અને સુખવીર સિંહ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે ઓછુ મતદાન ધરાવતા બુથ પર મતદાન વધારવા તાકીદ કરી છે.
ડિસેમ્બર ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ૫૦ ટકા કરતાં ઓછું મતદાન થયું હોય તેવી બેઠક પર જિલ્લાવાર બુથો અલગ તારવવામાં આવ્યા છે. ૨૦૨૨ ચૂંટણીમાં ૩,૪૮૯ બુથ પર ઓછું મતદાન થયું હતું. એમાં સુરતની બેઠક બિનહરીફ થતા આ જિલ્લાના ૪૯૮ બુથમાંથી બાદ કરાતા હવે ૨૯૯૧ બુથ એવા છે કે જ્યાં મતદાન વધારવા માટે જિલ્લા કલેકટરોને તાકીદ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લાના ૨૯૮, બનાસકાંઠાના ૫૨, પાટણના ૩૫, મહેસાણાના ૫૦, સાબરકાંઠાના ૬, અરવલ્લીના ૯, ગાંધીનગરના ૪૦, અમદાવાદના ૪૬૮, સુરેન્દ્રનગરના ૧૩૭, મોરબીના ૨૨, રાજકોટના ૧૨૪, જામનગરના ૧૧૯, દ્વારકાના ૩૩, પોરબંદરના ૫૦ જૂનાગઢના ૧૨૨, ગીર સોમનાથના ૪૮, અમરેલીના ૨૪૬,
ભાવનગરના ૧૯૬, બોટાદના ૧૫૪, આણંદના ૩૨, ખેડાના ૩૨, મહીસાગરના ૭૪, પંચમહાલના ૪૧, વડોદરાના ૭૦, છોટાઉદેપુરના ૩૧, નર્મદાના ૯, ભરૂચના ૫૬, સુરતના ૪૯૮, તાપીના ૩, ડાંગના ૩૭, નવસારીના ૧૫ અને વલસાડના ૬૨ મતદાન મથકો પર ૫૦% થી ઓછું મતદાન નોંધાયું હતું.
આ સિવાય જ્યાં મહિલાઓએ મતદાન ઓછું કર્યું છે ત્યા વધુ મતદાન થાય તેવા ગામોમાં ગરબા, મહેંદી, રંગોળી જેવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સખી મંડળોએ ગ્રામજનોને મતદાન કરવા પ્રેરણા આપી રહી છે.