જામનગરમાં ફરજીયાત સ્માર્ટ વીજ મીટર મુકવા માટે કાનુની લડતની તૈયારી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/PGVCL-1024x576.jpg)
ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મફત કાનૂની સલાહ કેન્દ્ર પાસે વકીલોની પેનલની માંગણી
જામનગર, જામનગરમાં પ્રિ-પેઈડ સ્માર્ટ વીજ મીટરો લગાડવાની ફરજીયાત થનારી કામગીરીની શરૂઆત પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરોના ઘેરથી થયા બાદ તેઓના ઘર ઉપર બીજું જુનું મીટર પણ વીજ લાઈનમાં લગાવીને બંને મીટરના રોજીદા વપરાશના આંકડા દૈનિક ધોરણે જાહેર કરવામાં આવે
તેવી માંગણી સાથે જામનગરની ગ્રાહક સુરક્ષા મંડળ સંસ્થાએ પીજીવીસીએલની રાજકોટ વિભાગીય કચેરી સમક્ષ લેખીત રજુઆત કરવાની સાથેસાથે કાનુની લડત લડવા વકીલોની પેનલની મફત કાનુની સહાય કેન્દ્ર સમક્ષ માંગણી કરી છે.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના સંસ્થાના મંત્રી કિશોર મજીઠીયા દ્વારા અધિક્ષક ઈજનેરના ઘરે બે મીટર લગાડીને તેની વાસ્તવીકતા પ્રજા સમક્ષ દૈનિક ધોરણે જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત કોર્ટના મફત કાનુની સલાહ કેન્દ્રના ચેરમેનને સંસ્થાએ રજુઆત કરીને જણાવ્યું છે કે ગ્રાહક સુરક્ષા મંડળ ૧૯૮૭ ની રજીસ્ટર્ડ સંસ્થા છે. ગ્રાકોને ન્યાયય અપાવવા નિશુલ્ક કામગીરી કરે છે. કોઈ ફ્ંડ ઉઘરાવવામાં આવતું નથી. પીજીવીસીએલ દ્વારા લગાડવામાં આવતા ફરજીયાત સ્માર્ટ મીટર અંગે અવારનવાર સરકારમાં રજુઆતો કરી છે.
ફરજીયાત સ્માર્ટ વીજ મીટર ગ્રાહકોના હકક અધિકાર, ઉપર તરાપ સમાન છે. PGVCLની સ્માર્ટ વીજ મીટરની કામગીરી અંગે દાવો દાખલ કરી અથવા જાહેર હિતની કોર્ટ કાર્યવાહી માટે સંસ્થાને મફત કાનુની સલાહતેમજ કોર્ટ કેસ કરવા માટે નિષ્ણાંત વકીલોની પેનલની ફાળવણી કરવામાં આવી તેવી માગણી કરી છે. આમ પીજીવીસીએલની સ્માર્ટ વીજમીટર યોજનાને આગામી દિવસોમાં કાનુની પડકાર મળે તેવી શકયતા છે.