ગાંધીજીની આ પવિત્ર તપોભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થયો છે: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવેલાં દ્રૌપદી મુર્મુજીએ સાબરમતી આશ્રમમાં ગાંધીવંદનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો.
રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ભારતની આઝાદીના આંદોલનમાં કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમની ભૂમિમાં ગાંધી-વંદના કરીને રાષ્ટ્રપતિશ્રીએ ધન્યતા અનુભવી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ સાબરમતી આશ્રમ પહોંચી સૌથી પહેલા આશ્રમ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગાંધી આશ્રમની રાષ્ટ્રપતિશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્રને સુતરનો હાર પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો.
રાષ્ટ્રપતિશ્રીએ સાબરમતી આશ્રમની મુલાકાતના અનુભવ અને અનુભૂતિને વિઝિટર્સ બુકમાં વર્ણવી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ લખ્યું હતું કે “સાબરમતીના સંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર તપોભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થયો છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામના કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને ગહન શાંતિનો અનુભવ થાય છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવન-વૃતના અણમોલ વારસાને પ્રસંશનીય રીતે સાચવીને રખાયો છે. આ માટે હું સાબરમતી આશ્રમની સારસંભાળ રાખનારા તમામ લોકો પ્રત્યે મારી પ્રશંસા અભિવ્યક્ત કરું છું.”.
સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અગ્રણી શ્રી અમૃતભાઈ મોદી, શ્રી નીતિન શુક્લ, શ્રી જયેશ પટેલ તથા શ્રી અતુલ પંડ્યાએ રાષ્ટ્રપતિશ્રીને ગાંધી આશ્રમ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.
રાષ્ટ્રપતિશ્રીની ગાંધી આશ્રમની મુલાકાત સમયે મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.