રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ
મારા વ્હાલા દેશવાસીઓ,
દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ! આ દિવસ આપણા સૌના માટે ગૌરવપૂર્ણ અને પવિત્ર છે. ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ જોઈને મને ઘણો આનંદ થઈ રહ્યો છે. તે પ્રસન્નતા અને ગર્વની વાત છે કે નગરો અને ગામડાંમાં એટલે કે દેશમાં દરેક જગ્યાએ – બાળકો, યુવાનો અને વડીલો – સૌ સ્વતંત્રતા દિવસના ઉત્સવને ઉત્સાહપૂર્વક ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. આપણા દેશવાસીઓ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છે. President Draupadi Murmu’s Nationwide Message on the Eve of 77th Independence Day
સ્વતંત્રતા દિવસની ઉજવણી મને મારાં બાળપણના દિવસોની યાદ પણ અપાવે છે. અમારાં ગામની શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભાગ લેવાના અમારા આનંદનો કોઇ પાર ન હતો. જ્યારે ત્રિરંગો લહેરાવવામાં આવતો હતો ત્યારે અમને એવું લાગતું હતું કે અમારાં શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. દેશભક્તિનાં ગૌરવથી ભરેલાં અમારાં હૃદય સાથે, અમે બધા રાષ્ટ્રધ્વજને સલામી આપતા અને રાષ્ટ્રગીત ગાતા હતા. મીઠાઈઓ વહેંચવામાં આવતી હતી અને દેશભક્તિનાં ગીતો ગાવામાં આવતાં હતાં, જે ઘણા દિવસો સુધી અમારાં મનમાં ગુંજતા રહેતાં. એ મારું સદ્ભાગ્ય રહ્યું કે જ્યારે હું શાળામાં શિક્ષક બની ત્યારે મને એ અનુભવો ફરી જીવંત કરવાની તક મળી.
જ્યારે આપણે મોટા થઈએ છીએ, ત્યારે આપણે બાળકોની જેમ આપણી ખુશી વ્યક્ત કરી શકતા નથી, પરંતુ હું માનું છું કે રાષ્ટ્રીય તહેવારો સાથે સંકળાયેલી દેશભક્તિની ઊંડી ભાવના સહેજ પણ ઓછી થતી નથી. સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિ નથી, પરંતુ આપણે એક એવા મહાન જન-સમુદાયનો ભાગ છીએ, જે તેના પ્રકારનો સૌથી મોટો અને સૌથી જીવંત સમુદાય છે. તે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિકોનો સમુદાય છે.
જ્યારે આપણે સ્વતંત્રતા દિવસ સમારોહની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર મહાન લોકશાહીના નાગરિક હોવાનો ઉત્સવ પણ મનાવીએ છીએ. આપણામાંના દરેકની અલગ અલગ ઓળખ છે. જાતિ, પંથ, ભાષા અને પ્રદેશ ઉપરાંત આપણી એક ઓળખ આપણા પરિવાર અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી પણ હોય છે. પરંતુ આપણી એક ઓળખ એવી છે જે બધાથી ઉપર છે, અને તે આપણી ઓળખ છે ભારતના નાગરિક હોવું. આપણે બધા સમાન રીતે, આ મહાન દેશના નાગરિક છીએ. આપણા બધાને સમાન તકો અને અધિકારો ઉપલબ્ધ છે અને આપણી ફરજો પણ સમાન છે.
પરંતુ તે હંમેશા આવું ન હતું. ભારત લોકશાહીની જનની છે અને પ્રાચીન સમયમાં પણ આપણી પાસે પાયાનાં સ્તરે લોકશાહી સંસ્થાઓ વિદ્યમાન હતી. પરંતુ લાંબા સમય સુધી ચાલેલાં વસાહતી શાસને તે લોકશાહી સંસ્થાઓનો નાશ કર્યો હતો. 15 ઑગસ્ટ, 1947ના રોજ દેશે એક નવી સવાર જોઈ. એ દિવસે આપણને માત્ર વિદેશી શાસનમાંથી આઝાદી જ મળી ન હતી, આપણને આપણું પોતાનું ભાગ્ય બનાવવાની પણ સ્વતંત્રતા મળી હતી.
આપણી આઝાદી સાથે, વિદેશી શાસકો દ્વારા વસાહતોને છોડી દેવાનો સમયગાળો શરૂ થયો અને સંસ્થાનવાદનો અંત આવવા લાગ્યો. આપણા દ્વારા આઝાદીનું ધ્યેય હાંસલ કરવું અગત્યનું તો હતું જ, પરંતુ તેનાથી પણ વધુ નોંધપાત્ર, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની અનોખી રીત. મહાત્મા ગાંધી અને અનેક અસાધારણ અને દૂરંદેશી વિભૂતિઓનાં નેતૃત્વ હેઠળ, આપણું રાષ્ટ્રીય આંદોલન અનન્ય આદર્શોથી પ્રેરિત હતું. ગાંધીજી અને અન્ય મહાન નાયકોએ ભારતના આત્માને પુન: જાગૃત કર્યો અને આપણી મહાન સંસ્કૃતિનાં મૂલ્યોનો જન-જનમાં સંચાર કર્યો. ભારતનાં જ્વલંત ઉદાહરણને અનુસરીને, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની આધારશિલા – ‘સત્ય અને અહિંસા’-ને વિશ્વભરના ઘણા રાજકીય સંઘર્ષોમાં સફળતાપૂર્વક અપનાવવામાં આવ્યા છે.
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, હું ભારતના નાગરિકો સાથે મળીને તમામ જાણ્યા અને અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓને કૃતજ્ઞાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનાં અસંખ્ય બલિદાનથી, ભારતે વિશ્વ સમુદાયમાં તેનું સ્વાભિમાન-પૂર્ણ સ્થાન પાછું મેળવ્યું. માતંગિની હાજરા અને કનકલતા બરુઆ જેવી વીરાંગનાઓએ ભારત માતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. માતા કસ્તુરબા સત્યાગ્રહના માર્ગ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે કદમ મેળવીને ચાલતા રહ્યાં. સરોજિની નાયડુ, અમ્મુ સ્વામીનાથન, રમા દેવી, અરુણા આસફ-અલી અને સુચેતા કૃપલાની જેવી અનેક મહિલા વિભૂતિઓએ તેમના પછીની તમામ પેઢીઓની મહિલાઓ માટે આત્મવિશ્વાસ સાથે, દેશ અને સમાજની સેવા કરવાના પ્રેરક આદર્શો પ્રસ્તુત કર્યા છે. આજે મહિલાઓ દેશના વિકાસ અને દેશ સેવાનાં દરેક ક્ષેત્રમાં આગળ રહીને યોગદાન આપી રહી છે અને દેશનું ગૌરવ વધારી રહી છે. આજે આપણી મહિલાઓએ એવાં ઘણાં ક્ષેત્રોમાં એક વિશિષ્ટ સ્થાન બનાવી લીધું છે જેમાં થોડા દાયકાઓ પહેલા તેમની ભાગીદારીની કલ્પના પણ ન કરી શકાતી હતી.
મને એ જોઈને આનંદ થાય છે કે આપણા દેશમાં મહિલાઓનાં આર્થિક સશક્તીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આર્થિક સશક્તીકરણ પરિવાર અને સમાજમાં મહિલાઓનું સ્થાન મજબૂત કરે છે. હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ મહિલા સશક્તીકરણને પ્રાથમિકતા આપે. હું ઈચ્છું છું કે આપણી બહેનો અને દીકરીઓ દરેક પ્રકારના પડકારોનો હિંમતથી સામનો કરે અને જીવનમાં આગળ વધે. સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શોમાં મહિલાઓનો વિકાસ સામેલ છે.
પ્રિય દેશવાસીઓ,
સ્વતંત્રતા દિવસ આપણા માટે આપણા ઈતિહાસ સાથે ફરી જોડાવવાની તક હોય છે. તે આપણા વર્તમાનનું મૂલ્યાંકન કરવાનો અને ભવિષ્યનો માર્ગ બનાવવા વિશે ચિંતન કરવાનો અવસર પણ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતે ન માત્ર વિશ્વ મંચ પર પોતાનું યથાયોગ્ય સ્થાન બનાવ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં પોતાની પ્રતિષ્ઠા પણ વધારી છે. મારા પ્રવાસો અને પ્રવાસી ભારતીયો સાથેની વાતચીતમાં, મેં આપણા દેશ પ્રત્યે તેમનામાં એક નવો વિશ્વાસ અને ગર્વનો ભાવ જોયો છે. ભારત સમગ્ર વિશ્વમાં વિકાસના ધ્યેયો અને માનવીય સહયોગને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચોમાં અગ્રણી સ્થાન બનાવ્યું છે અને G-20 દેશોનાં પ્રમુખપદની જવાબદારી પણ સંભાળી છે.
G-20 સમૂહ વિશ્વની બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વૈશ્વિક પ્રાથમિકતાઓને યોગ્ય દિશામાં લઈ જવાની આપણા માટે આ એક અનોખી તક છે. G-20ની અધ્યક્ષતા દ્વારા, ભારત વેપાર અને નાણાંના ક્ષેત્રોમાં થઈ રહેલા નિર્ણયોને ન્યાય-સંગત પ્રગતિ તરફ લઈ જવામાં પ્રયાસરત છે. વેપાર અને નાણાં ઉપરાંત માનવ વિકાસને લગતા વિષયોને પણ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યા છે. એવા ઘણા મુદ્દા છે જે સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ છે અને કોઈપણ ભૌગોલિક સીમાઓથી બંધાયેલા નથી. મને વિશ્વાસ છે કે ભારતનાં પ્રભાવી નેતૃત્વ સાથે G-20 સભ્ય દેશો તે મોરચે ઉપયોગી કાર્યવાહીને આગળ વધારશે.
જી-20નાં ભારતનાં પ્રમુખપદમાં એક નવી વાત એ છે કે કૂટનીતિને જમીન સાથે જોડી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિમાં લોકોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારનું પ્રથમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, મને એ જોઈને આનંદ થાય છે કે વિદ્યાર્થીઓ G-20 સંબંધિત વિષયો પર શાળાઓ અને કૉલેજોમાં આયોજિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. G-20 સંબંધિત કાર્યક્રમોને લઈને તમામ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વહાલા દેશવાસીઓ,
સશક્તીકરણની ભાવના સાથે યુક્ત આ ઉત્સાહનો સંચાર આજે શક્ય બન્યો છે કારણ કે આપણો દેશ તમામ મોરચે સારી પ્રગતિ કરી રહ્યો છે. ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં માત્ર સ્થિતિસ્થાપક સાબિત થઈ એટલું જ નહીં પરંતુ અન્યો માટે આશાનું સ્ત્રોત પણ બની છે. વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાઓ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. વૈશ્વિક મહામારીનાં કારણે સર્જાયેલી આર્થિક કટોકટીમાંથી વિશ્વ સમુદાય સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નહોતો કે એવામાં આંતરરાષ્ટ્રીય મંચ પર થઈ રહેલી ઘટનાઓને કારણે અનિશ્ચિતતાનું વાતાવરણ વધુ ગંભીર બની ગયું છે. તેમ છતાં પણ, સરકાર મુશ્કેલ સંજોગોનો સારી રીતે સામનો કરવામાં સક્ષમ રહી છે. દેશે પડકારોને અવસરોમાં રૂપાંતરિત કર્યા છે અને પ્રભાવશાળી જીડીપી વૃદ્ધિ પણ નોંધાવી છે. આપણા અન્નદાતા ખેડૂતોએ આપણી આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. દેશ તેમનો ઋણી છે.
વૈશ્વિક સ્તરે ફૂગાવો ચિંતાનું કારણ બની રહ્યો છે, પરંતુ સરકાર અને રિઝર્વ બૅન્ક તેને નિયંત્રિત કરવામાં સફળ રહી છે. સરકારે મોંઘવારીથી સામાન્ય માણસને વધુ અસર થવા દીધી નથી અને સાથે સાથે ગરીબોને વ્યાપક સુરક્ષા કવચ પણ પૂરું પાડ્યું છે. આજે વૈશ્વિક આર્થિક વિકાસ માટે વિશ્વની નજર ભારત પર ટકેલી છે. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. આપણી આર્થિક પ્રગતિની આ યાત્રામાં સર્વસમાવેશક વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સતત થઈ રહેલી આર્થિક પ્રગતિનાં બે મુખ્ય પરિમાણો છે. એક તરફ, વ્યવસાય કરવાનું સરળ બનાવીને અને રોજગારીની તકો ઊભી કરીને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં પહેલ કરવામાં આવી છે અને કલ્યાણકારી કાર્યક્રમો મોટા પાયે ચલાવવામાં આવી રહ્યા છે. વંચિતોને પ્રાધાન્ય આપવું એ અમારી નીતિઓ અને કાર્યોનાં કેન્દ્રમાં રહે છે. પરિણામે, છેલ્લા એક દાયકામાં મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું શક્ય બન્યું છે. તેવી જ રીતે આદિવાસીઓની સ્થિતિ સુધારવા અને તેમને પ્રગતિની યાત્રામાં સામેલ કરવા માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. હું મારાં આદિવાસી ભાઈઓ અને બહેનોને અપીલ કરું છું કે તમે બધા તમારી પરંપરાઓને સમૃદ્ધ કરતા કરતા આધુનિકતાને અપનાવો.
મને એ જાણીને આનંદ થયો છે કે આર્થિક વિકાસની સાથે સાથે માનવ વિકાસ સંબંધી ચિંતાઓને પણ ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હું એક શિક્ષક રહી છું, એ રીતે હું એ સમજી છું કે શિક્ષણ એ સામાજિક સશક્તીકરણનું સૌથી અસરકારક માધ્યમ છે. વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી ફેરફારો આવવા શરૂ થયા છે. વિવિધ સ્તરે વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથેની મારી વાતચીત પરથી, મને જાણવા મળ્યું છે કે અભ્યાસની પ્રક્રિયા વધુ લવચીક બની છે. આ દૂરદર્શી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન મૂલ્યોને આધુનિક કુશળતા સાથે જોડવાનો છે. આનાથી આવનારાં વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન થશે અને તેનાં પરિણામે દેશમાં એક બહુ મોટો ફેરફાર જોવા મળશે. ભારતની પ્રગતિને દેશવાસીઓ, ખાસ કરીને યુવા પેઢીનાં સપનાઓથી બળ મળે છે. દેશવાસીઓ માટે વિકાસની અસીમ સંભાવનાઓ રાહ જોઈ રહી છે. સ્ટાર્ટ-અપ્સથી લઈને સ્પોર્ટ્સ સુધી, આપણા યુવાનોએ શ્રેષ્ઠતાનાં નવાં આસમાન સર કર્યાં છે.
આજના નવા ભારતની મહત્વકાંક્ષાઓની નવી ક્ષિતિજો અમર્યાદિત છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. આ વર્ષે, ISROએ ચંદ્રયાન-3 લૉન્ચ કર્યું છે, જે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે, અને કાર્યક્રમ મુજબ તેનું ‘વિક્રમ’ નામનું લેન્ડર અને ‘પ્રજ્ઞાન’ નામનું રોવર આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ઉતરશે. તે આપણા બધા માટે ગર્વની ક્ષણ હશે અને હું પણ તે ક્ષણની રાહ જોઈ રહી છું. ચંદ્ર પરનું મિશન અવકાશમાં આપણા ભાવિ કાર્યક્રમો માટે માત્ર એક પગથિયું છે. આપણે ઘણું આગળ વધવાનું છે.
આપણા વૈજ્ઞાનિકો અને ટેક્નૉલોજીસ્ટ માત્ર સ્પેસ મિશનમાં જ નહીં પરંતુ પૃથ્વી પર પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે. સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે, સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં રૂ. 50,000 કરોડની રકમ સાથે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી રહી છે. આ ફાઉન્ડેશન આપણી કૉલેજો, યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રોમાં સંશોધન અને વિકાસને આધાર આપશે, તેને વિકસિત કરશે અને આગળ લઈ જશે.
પ્રિય દેશવાસીઓ,
જ્ઞાન અને વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવી એ જ માત્ર આપણું લક્ષ્ય નથી પરંતુ તે આપણા માટે માનવતાના વિકાસનું સાધન છે. એક ક્ષેત્ર કે જેના પર વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નીતિ ઘડવૈયાઓએ વધુ તાકીદે ધ્યાન આપવું જોઈએ તે છે- આબોહવા પરિવર્તન. તાજેતરનાં વર્ષોમાં, મોટી સંખ્યામાં ભારે આત્યંતિક હવામાનની ઘટનાઓ બની છે. દેશના કેટલાક ભાગોમાં અસાધારણ પૂરનો સામનો કરવો પડ્યો છે. કેટલીક જગ્યાઓ દુષ્કાળથી પીડાય છે. આ બધા માટે ગ્લોબલ વૉર્મિંગને પણ એક મોટું કારણ માનવામાં આવે છે. તેથી પર્યાવરણનાં હિતમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પ્રયાસો કરવા અનિવાર્ય છે. આ સંદર્ભમાં, તે નોંધનીય છે કે આપણે પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ક્ષેત્રમાં અભૂતપૂર્વ લક્ષ્યો હાંસલ કર્યાં છે. ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ઊર્જા અભિયાનને નેતૃત્વ પૂરું પાડ્યું છે. આપણો દેશ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. આપણે વિશ્વ સમુદાયને લાઇફ એટલે કે પર્યાવરણ માટે જીવનશૈલીનો મંત્ર આપ્યો છે.
પ્રિય દેશવાસીઓ,
અસામાન્ય હવામાનની ઘટનાઓ દરેકને અસર કરે છે. પરંતુ ગરીબ અને વંચિત વર્ગનાં લોકો પર તેની વધુ અસર પડે છે. આબોહવા પરિવર્તનની સ્થિતિનો સામનો કરવા માટે શહેરો અને પર્વતીય વિસ્તારોને ખાસ સજ્જ કરવાની જરૂર છે.
હું કહેવા માગું છું કે લોભની સંસ્કૃતિ વિશ્વને પ્રકૃતિથી અલગ કરે છે અને હવે આપણે સમજી રહ્યા છીએ કે આપણે આપણાં મૂળમાં પાછા ફરવું જોઈએ. આજે પણ ઘણા આદિવાસી સમુદાયો એવા છે જેઓ પ્રકૃતિની ખૂબ નજીક અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે. તેમનાં જીવન-મૂલ્યો અને જીવનશૈલી આબોહવાની ક્રિયાનાં ક્ષેત્રમાં અમૂલ્ય પાઠ પૂરો પાડે છે.
21. યુગોથી આદિવાસી સમુદાયોનાં અસ્તિત્વને જાળવી રાખવાનું રહસ્ય માત્ર એક શબ્દમાં જ વ્યક્ત કરી શકાય છે. તે શબ્દ છે: સહાનુભૂતિ. જન-જાતીય સમુદાયનાં લોકો કુદરતને માતા માને છે અને તેના તમામ સંતાનો એટલે કે વનસ્પતિ અને જીવ-જંતુઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. ક્યારેક ક્યારેક દુનિયામાં સહાનુભૂતિનો અભાવ અનુભવાય છે. પણ ઈતિહાસ સાક્ષી છે કે આવો ગાળો થોડા સમય માટે જ આવે છે, કારણ કે કરુણા એ આપણો મૂળ સ્વભાવ છે. મારો અનુભવ છે કે મહિલાઓ સહાનુભૂતિનું મહત્વ વધુ ઊંડે અનુભવે છે અને જ્યારે માનવતા પોતાના માર્ગેથી ભટકી જાય છે ત્યારે તે સાચો માર્ગ બતાવે છે.
આપણો દેશ નવા સંકલ્પો સાથે ‘અમૃત કાલ’માં પ્રવેશ્યો છે અને આપણે વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. આવો, આપણે સૌ આપણી બંધારણીય મૂળભૂત ફરજ નિભાવવાનો સંકલ્પ લઈએ અને વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓનાં તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા તરફ આગળ વધવાના સતત પ્રયાસો કરીએ જેથી આપણો દેશ સતત પ્રગતિ સાથે કર્મઠતા અને સિદ્ધિઓની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે.
વહાલા દેશવાસીઓ,
આપણું બંધારણ આપણો માર્ગદર્શક દસ્તાવેજ છે. બંધારણની પ્રસ્તાવનામાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો સમાવિષ્ટ છે. આવો, આપણા રાષ્ટ્ર નિર્માતાઓનાં સપનાઓને સાકાર કરવા માટે આપણે સદ્ભાવ અને ભાઈચારાની ભાવના સાથે આગળ વધીએ.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ, હું ફરી એકવાર આપ સૌને, ખાસ કરીને સરહદોની રક્ષા કરતા સૈન્યના જવાનો, આંતરિક સુરક્ષા પૂરી પાડતાં તમામ દળો અને પોલીસ કર્મચારીઓ અને વિશ્વના વિવિધ ભાગોમાં વસતા પ્રવાસી ભારતીયોને અભિનંદન આપું છું. આપણા સૌ પ્રિય દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ!