રાષ્ટ્રપતિ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરી સત્રનો પ્રારંભ કરાવશે
(એજન્સી)અમદાવાદ, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતની ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરીને સત્રનો પ્રારંભ કરાવશે. આપને જણાવી દઈએ કે, આગામી ૧૩થી ૧૫ સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું ત્રિ-દિવસીય સત્ર મળશે.
રાજ્ય સરકાર માટે ત્રિ-દિવસીય સત્ર અતિ મહત્વપૂર્ણ છે કારણ કે સત્રના પ્રથમ દિવસે જ ઓબીસી (ઝવેરી) કમિશનનો રિપોર્ટ રજૂ કરાશે, સાથે જ પહેલાં દિવસે વિધાનસભાને પેપરલેસ બનાવવામાં આવશે.
૧૩થી ૧૫ સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું ત્રિ-દિવસીય સત્ર મળશે. સત્ર દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરાયો છે. એટલે કે સત્ર દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી બાજુ સત્ર પહેલા આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.
આ બેઠકમાં સત્રમાં ક્યાં મુદ્દે સરકારને ઘરેવી તેને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ૧૩ સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સચિવ ડી.એમ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ પ્રોજેક્ટ અંતર્ગત
ગુજરાત વિધાનસભાને ડિજિટલ બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને આમંત્રણ આપ્યું છે.
ગુજરાત વિધાનસભા સચિવએ વધુમાં જણાવ્યું હતું કે, ૧૩ સપ્ટેમ્બરને બુધવારના રોજ સવારે ૧૦ કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કરશે અને ગુજરાત વિધાનસભાને સંબોધન પણ કરશે.