રાષ્ટ્રપતિ કોવિંદે રિયાઝને રેસિંગ સાયકલ ભેટ આપી
૯મા ધોરણના રિયાઝનું સપનું સાયકલિસ્ટ બનવાનું છે-ખાણી-પાણીની શોપમાં વાસણ ઘસવાનું કામ કરનાર રિયાઝ સાયકલિસ્ટ બનવા માટે હાલ તનતોડ મહેનત કરી રહ્યો છે
નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અત્યંત ગરીબ પરિવારના રિયાઝને તેની ગમતી વસ્તુ આપી છે. રિયાઝનું સપનું એક શ્રેષ્ઠ સાયકલિસ્ટ બનવાનું છે. જેથી રાષ્ટ્રપતિએ તેને એક રેસિંગ સાયકલ ભેટ કરી છે. સાયકલિસ્ટ બનવા માટે રિયાઝ અત્યારે તનતોડ મહેનત કરી રહ્યો છે.
રાષ્ટ્રપતિએ તેને સાયકલ ભેટ કરતી વખતે સાયકલિંગ રેસમાં ઈન્ટરનેશનલ ચેમ્પિયન બનવા માટે શુભેચ્છા પાઠવતા સખત મહેનત કરવા કહ્યું. રાષ્ટ્રપતિએ ઈદના એક દિવસ અગાઉ તેને સાયકલ ભેટ કરી છે જેને તેની ઈદી બરાબર જ ગણી શકાય છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવનારો રિયાઝ અન્ય બાળકો માટે પ્રેરણા પૂરી પાડે છે. તે દિલ્હીના આનંદ વિહારના સર્વોદય બાળ વિદ્યાલયના નવમાં ધોરણનો વિદ્યાર્થી છે.
તે મૂળ બિહારના મધુબનીનો રહેવાસી છે. તેના માતા-પિતા, બે બહેનો અને એક ભાઈ ત્યાં જ રહે છે. રિયાઝ ગાઝિયાબાદના મહારાજપુરમાં એક ભાડાના મકાનમાં રહે છે. તેના પિતા રસોઈ બનાવવાનું કામ કરે છે. તેમને આર્થિક મદદ મળી રહે તે માટે રિયાઝ શાળા સિવાયના સમયમાં ગાઝિયાબાદની એક ખાણી-પીણીની દુકાનમાં વાસણ ઘસવાનું કામ કરે છે.
રિયાઝને સાયકલિંગની ધૂન લાગી છે. તે દરરોજ અભ્યાસ અને પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ તે માટે આકરી પ્રેક્ટિસ કરે છે. ૨૦૧૭માં તેણે દિલ્હી સ્ટેટ સાકલમિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તે ગુવાહાટીની સ્કૂલ ગેમ્સ ઈવેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં તેણે નેશનલ લેવલ પર ચોથું સ્થાન મેળવ્યું હતું.