UGVCLએ વીજ દરમાં ૨૫ પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતની જનતા પર વધુ એક ભારણ નંખાયું છે, એટલે કે વધુ એક ભાવ વધારાનો બોજ નખાયો છે. ઉત્તર ગુજરાતની ૧.૩૦ કરોડ ગુજરાતીઓના માથે વીજ દર વધારાનો બોજાે નાખવાની જાહેરાત કરાઈ છે. સાંભળીને ચમક્યાને પરંતુ આ હકીકત છે.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજે વીજ દર વધારવાની જાહેરાત કરાઈ છે. જેની અસર ૧.૩૦ કરોડ ગુજરાતીઓને પડશે. યુજીવીસીએલએ વીજ દરમાં ૨૫ પૈસાનો ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થતાં જ હવે વપરાશ કરનારા ગ્રાહકોના આગામી લાઈટ બિલમાં વીજ દર વધારાની અસર જાેવા મળશે.
વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે. માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે-જીયુવીએનએલએ ઇંધણ ખર્ચ અને ખાનગી કંપનીઓ પાસે વીજળીની ખરીદી કરવાના લીધેલા ર્નિણયની યોગ્યતાની ખરાઈ કર્યા વિના જ આ ર્નિણય લેવામાં આવ્યો છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડે એફપીપીપીએમાં કરેલો આ વધારો સૌથી મોટો છે. તેને કારણે ગ્રાહકોને માથે મહિને ૨૪૫.૮ કરોડનો વધારાનો બોજ આવશે. માસિક બોજ રૂપિયા ૨૯૫૦ કરોડનો થવા જાય છે.
જીયુવીએનલએ હેઠળની વીજ કંપનીઓ દર ત્રણ મહિને વીજદરમાં પોતાની રીતે ૧૦ પૈસા વધારી શકે છે. આ વખતે ૧૦ પૈસા ઉપરાંત વીજગ્રાહકો પાસેથી બાકી લેવાના નાણાં પેટે યુનિટદીઠ બીજા ૧૫ પૈસાની વસૂલી કરવાની છૂટ આપવામાં આવી હતી.
ગુજરાત સરકારની વીજ કંપનીઓ સસ્તી વીજળી પેદા કરી શકે છે. તેમ છતાંય તેના પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતાના સરેરાશ ૪૦ ટકાની આસપાસ વીજળી પેદા કરીને બાકીની વીજળી ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ઊંચા ભાવે ખરીદતી હોવાની બાબત અનુચિત હોવા છતાંય જર્ક તેમની સામે કોઈ જ પગલાં લેતું નથી.
બીજી બાજુ, સરકારી કંપનીઓ ઓછી કે બિલકુલ વીજળી ના પેદા કરતાં હોવા છતાંય તેના પાવર પ્લાન્ટની જાળવણી માટે, તેને માટે લેવાયેલી લોનના વ્યાજના ખર્ચ અને કર્મચારીઓના પગાર ખર્ચનો બોજાે તો ગ્રાહકોને માથે આવે જ છે. તેમ છતાંય સસ્તી વીજળી પેદા ન કરીને ગુજરાતના ગ્રાહકોને મોંઘી વીજળી ખરીદીને સપ્લાય આપી રહી છે.