ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ દ્વારા ‘પ્રાઈડ ઓફ અમદાવાદ’ એવોર્ડ સમારોહ યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ શાખા દ્વારા આયોજિત ‘પ્રાઈડ ઓફ અમદાવાદ’ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ, શેરદિલ રક્તદાતાઓ તથા સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટયૂશન્સનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ પ્રસંગે ‘અમદાવાદ રેડ ક્રોસ – પ્રાઈડ ઓફ ગુજરાત’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન શ્રી અજય પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ‘પ્રાઈડ ઓફ અમદાવાદ’ એવોર્ડ સમારોહ ૨૦૨૩-૨૦૨૪માં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન શ્રી અજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટયૂશન્સના સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેવા, સત્કર્મો અને દાનનું મહત્વ આપણે સૌ સુપેરે જાણીએ છીએ. બધા જ દાનમાં રક્તદાન સૌથી મહત્વનું અને મહામૂલું દાન છે. સો કે તેથી વધુ વખત રક્તદાન કરવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત અને સત્કાર્ય છે. આવા શતકવીર રક્તદાતાઓ ખરા અર્થમાં યોદ્ધાઓ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
રેડક્રોસના વિવિધ ઉપક્રમો અને સેવાઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય ક્ષેત્રે રાહત દરે વિવિધ સેવાઓ અને નવીન ઉપક્રમો થકી રેડક્રોસ, ગુજરાત સતત સમાજસેવા માટે પ્રયાસરત છે. આજે રેડ ક્રોસ રાહત દરે પેથોલોજી ટેસ્ટ, જેનરિક દવાઓ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. એટલું જ નહિ, રાજ્યના દરેક જિલ્લામાં બ્લડ બેન્કની વ્યવસ્થા થકી નાગરિકોને ત્વરિત રક્ત સહાય મળી રહે તે માટે પણ રેડક્રોસ કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. રાજ્યમાં આયુષ્માન કાર્ડ હેઠળ મળતી સહાય પાંચ લાખથી વધારીને દસ લાખ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે યોગથી આયુષ્યમાન સુધીના પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘યહી સમય હે, સહી સમય હે’ સૂત્રને દોહરાવીને વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ, શેરદિલ રક્તદાતાઓ તથા સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટયૂશન્સનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પાંચ મહિલા શતકવીર રક્તદાતાઓ પણ સમાવિષ્ટ છે. વધુમાં, આ પ્રસંગે ‘અમદાવાદ રેડ ક્રોસ – પ્રાઈડ ઓફ ગુજરાત’ પુસ્તકનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું.
સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટયૂશન્સના સન્માન સમારોહમાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અમિત દોશી, ચેરમેન એમિરેટ્સ શ્રી મુકેશ પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો, સભ્યો, કર્મચારીઓ સહિત બ્લડ ડોનર્સ અને આ ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ, રક્તદાતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.