વડાપ્રધાન મોદીએ G20 વર્ચ્યુઅલ સમિટને સંબોધિત કરી
આતંકવાદ અસ્વીકાર્ય, સામાન્ય નાગરિકોના મોત થાય તે નિંદનીયઃ મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જી૨૦ વર્ચ્યુઅલ સમિટને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આજની દુનિયા પડકારોથી ભરેલી છે. એક પરસ્પર વિશ્વાસ છે જે આપણને બાંધે છે અને એકબીજા સાથે જાેડાયેલા રાખે છે. જ્યારે મેં આ વર્ચ્યુઅલ સમિટનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે આજે વૈશ્વિક પરિસ્થિતિ કેવી હશે તેનો મને અંદાજ નહોતો.
પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અસ્થિરતા અને અસુરક્ષાની સ્થિતિ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. આજે અમારું એકસાથે આવવું એ પ્રતીક છે કે અમે તમામ મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને તેનો ઉકેલ લાવવા માટે સાથે છીએ. પીએમ મોદીએ કહ્યું કે અમે માનીએ છીએ કે આતંકવાદ આપણા બધા માટે અસ્વીકાર્ય છે.
નાગરિકોના મોત જ્યાં પણ થાય છે તે નિંદનીય છે. અમે બંધકોના આજના મુક્તિના સમાચારનું સ્વાગત કરીએ છીએ. માનવતાવાદી સહાયની સમયસર અને સતત ડિલિવરી આવશ્યક છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ કોઈ પ્રાદેશિક સ્વરૂપ ન લઈ લે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે. અમે આશા રાખીએ છીએ કે તમામ બંધકોને જલ્દી મુક્ત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે ૨૧મી સદીની દુનિયા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ગ્લોબલ સાઉથની ચિંતાઓને પ્રાથમિકતા આપવી પડશે. ગ્લોબલ સાઉથના દેશો ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે જેના માટે તેઓ જવાબદાર નથી. સમયની જરૂરિયાત એ છે કે આપણે વિકાસના એજન્ડાને સંપૂર્ણ સમર્થન આપીએ.