વડાપ્રધાન મોદીએ દિવાળી પહેલાં વોકલ ફોર લોકલ પર મુક્યો ભાર
મન કી બાતનો ૧૦૬મો એપિસોડ પ્રસારિત કરાયો
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કરી હતી. આજે મન કી બાતનો ૧૦૬મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આ એપિસોડ એવા સમયે બની રહ્યો છે જ્યારે સમગ્ર દેશમાં તહેવારો માટે ઉત્સાહ છે. આગામી તમામ તહેવારો માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્હીમાં ખાદીનું રેકોર્ડ વેચાણ થયું હતું.
તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે.
તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, ૧૦ વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી ૩૦ હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે,
અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ તમે પર્યટન અથવા તીર્થયાત્રા પર જાઓ છો, ત્યારે તમારે સ્થાનિક કલાકારો દ્વારા બનાવેલી વસ્તુઓ અવશ્ય ખરીદવી જાેઈએ. દર વખતની જેમ આ વખતે પણ આપણા તહેવારોમાં આપણી પ્રાથમિકતા ‘વોકલ ફોર લોકલ’ હોવી જાેઈએ અને સાથે મળીને આપણે આર્ત્મનિભર ભારતનું સ્વપ્ન સાકાર કરીએ.
આ વખતે એવી પ્રોડક્ટથી ઘરને રોશની કરો કે જેમાં મારા દેશવાસીઓના પરસેવાની ગંધ હોય, મારા દેશના કેટલાક યુવાનોની પ્રતિભા હોય,તેના નિર્માણમાં મારા દેશવાસીઓને રોજગારી મળી હોય, રોજિંદા જીવનની જે પણ જરૂરિયાત હોય. . અમે લોકલ જ લઈશું.