વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં ૯ ચૂંટણીસભા સંબોધશે
મુંબઈ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રમાં એક સપ્તાહમાં કુલ ૯ જાહેરસભા સંબોધિત કરશે, અને તેમની પ્રથમ જાહેરસભા ૮મી નવેમ્બરને શુક્રવારે ધુલેમાં યોજાશે, તેમ મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપે સત્તાવાર રીતે જણાવ્યું છે.
વડાપ્રધાન ૧૨મી નવેમ્બરે પૂણેમાં એક રોડ શો યોજશે. મોદીની પ્રથમ રેલી શુક્રવારે બપોરે ૧૨ કલાકે ધુલેમાં યોજાશે. ત્યાર પછી બપોરે ૨ કલાકે નાસિકમાં એક જાહેરસભા સંબોધિત કરશે. ૯મી નવેમ્બરે બપોરે ૧૨ કલાકે અકોલામાં અને બપોરે ૨ કલાકે નાંદેડમાં પ્રચાર કરશે.
તેઓ ચિમૂર(ચંદ્રપુર જિલ્લા)માં અને સોલાપુરમાં રેલીઓ સંબોધિત કરશે, અને આ જ દિવસે સાંજે પૂણેમાં એક રોડ શો યોજશે. ત્યાર પછી પીએમ મોદી ૧૪મી નવેમ્બરે છત્રપતિ સંભાજીનગર, રાયગઢ અને મુંબઈમાં રેલીઓ સંબોધિત કરશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા આગામી સપ્તાહમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી માટે ચૂંટણી પ્રચાર કરશે, તેમ એઆઈસીસીના મહામંત્રી રમેશ ચેન્નિથલાએ જણાવ્યું છે.
આ પ્રચાર અભિયાનમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે. ખડગે ૧૩, ૧૪, ૧૬, ૧૭ અને ૧૮મી નવેમ્બરે રાજ્યભરમાં રેલીઓની શૃંખલાની સાથે પાંચ દિવસની ચૂંટણી યાત્રા કરશે.
રાહુલ ગાંધી ૧૨, ૧૪ અને ૧૬ નવેમ્બરે પોતાનું ચૂંટણી અભિયાન ચલાવશે. જ્યારે પ્રિયંકા ગાંધી ૧૩, ૧૬ અને ૧૭મી નવેમ્બરે ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે.
આ સાથે રમેશ ચેન્નિથલાએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર પ્રદેશ અભિયાન સમિતિના અધ્યક્ષ ચંદ્રકાંત હંડોરે અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ નાના ગાવંડે સાથે વિસ્તૃત બેઠક પછી ખડગે અને એમવીએ ગઠબંધનના અન્ય ઉચ્ચ નેતાઓની ઉપસ્થિતિમાં ૧૦મી નવેમ્બરે એમવીએ મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે.SS1MS