પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો દેશભરમાં વ્યાપ વધારવા વિશેષ પ્રયત્નો કરવા પ્રધાનમંત્રીની પ્રેરણા: રાજ્યપાલ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લઈને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો દેશભરમાં વ્યાપ વધારવા પર ભાર મૂક્યો હતો. દેશના ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય, ભૂમિ પુનઃ ફળદ્રુપ બને, પર્યાવરણ અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે એ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે, ગુજરાતની સાથોસાથ હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાં પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધારવા વિશેષ પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. આ માટે તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની વર્તમાન સ્થિતિથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને વિગતવાર જાણકારી આપી હતી.