પ્રિન્સ હેરી-પત્નીને વિંડસર એસ્ટેટથી બેદખલ કરાયા
લંડન, પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગનને બ્રિટનના શાહી મહેલ વિંડસર એસ્ટેટથી બેદખલ કરી દેવાયા છે. અહેવાલોમાં દાવો કરાયો હતો કે હવે પ્રિન્સ હેરી પાસે બ્રિટનમાં રહેવા માટે કોઈ ઠેકાણું રહ્યું નથી. હાલ પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન અમેરિકામાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિંડસર એસ્ટેટમાં સ્થિત ફ્રોગમોર કોટેજને દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ પ્રિન્સ હેરીને લગ્નમાં ભેટ તરીકે આપ્યું હતું. ફ્રોગમોર કોટેજનું રિનોવેશન કરવા ૨.૪ મિલિયન પાઉન્ડ ખર્ચ કરવામાં આવ્યા હતા. હવે તેને ખાલી કરવા કહેવાયું છે. બ્રિટિશ મીડિયાના અહેવાલ અનુસાર હવે આ મહેલ પ્રિન્સ એન્ડ્ર્યુને આપી દેવાની ઓફર કરાઈ છે. પ્રિન્સ એન્ડ્રયુને મળતી વાર્ષિક ગ્રાન્ટમાં અઢી લાખ પાઉન્ડનો કાપ મૂકાઈ શકે છે.
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને જાન્યુઆરીમાં આ મહેલને ખાલી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ હેરી તેમની પત્ની મેગન સાથે ૨૦૨૦માં અમેરિકાના કેલિફોર્નિયા શિફ્ટ થઈ ગયા હતા અને પ્રિન્સ હેરી અને તેમની પત્નીએ શાહી દરજ્જાે પણ છોડી દીધો હતો. તેના બાદ પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટ્રીમાં જાેવા મળ્યા હતા. આ ડોક્યુમેન્ટ્રીમાં પ્રિન્સ હેરીએ રાજશાહીને લઈને અનેક ખુલાસા કર્યા હતા જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો. SS2.PG