ખાનગી ડોક્ટરો દર્દીઓને એસવીપીમાં દાખલ કરી સારવાર કરી શકશે
અમદાવાદ, એસવીપી હોસ્પિટલમાં વિઝીટીંગ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા ખાનગી ડોક્ટરો હવે તેમના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી શકશે. ખાનગી પ્રેક્ટિસ કરતા અને હોસ્પિટલમાં વિઝીટીંગ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા ૩૦ ડોક્ટરો સાથે હોસ્પિટલે એમઓયુ કર્યા છે.
જેમાં ડોક્ટરો તેમના દર્દીને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરી શકશે. જેમાં દર્દીઓ સારવાનો ખર્ચ હોસ્પિટલને આપવાનો રહેશે અને ડોક્ટરને વિઝીટીંગ ફી તથા ઓપરેશન સહિતનો ખર્ચ હોસ્પિટલ દ્વારા ચુકવવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીઓની ઓછી સંખ્યાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ખાનગી ડોક્ટરોના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટેની છુટ બાદ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસવીપી હોસ્પિટલમાં વિઝીટીંગ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને ખાનગી પ્રેક્ટિકસ કરતા ૩૦ જેટલા ડોક્ટરો સાથે હોસ્પિટલ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે.
જેમાં આ ડોક્ટરો તેમના ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી શકશે. આ નિર્ણયથી એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થશે અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અલગ અલગ કેસોમાં વધારે શીખવા મળશે.
જેથી આવા કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેનો ખર્ચ દર્દીએ હોસ્પિટલને ચુકવવાનો રહેશે. આમ, દર્દી દાખલ થયા બાદ તે રજા લઈને જાય ત્યાં સુધીની સારવારનો ખર્ચ હોસ્પિટલમાં જ જમા કરાવવાનો રહેશે. બીજી બાજુ, હોસ્પિટલ દ્વારા આ ડોક્ટરોને વિઝીટીંગ અને ઓપરેશન ફી નક્કી કરવામાં આવેલી છે તે ચુકવવામાં આવશે.
એટલે દર્દી દાખલ થયા બાદ હોસ્પિટલને ચુકવણી કરશે અને તેમાંથી નક્કી કરેલા દર અનુસાર ડોક્ટરોને વિઝીટીંગ ફી, ઓપરેશન ફી સહિતના અન્ય તમામ પ્રકારની ચુકવણી હોસ્પિટલ દ્વારા કરાશે. જોકે, આ સુવિધા માત્ર સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ અને વીઆઈપી રૂમ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું પણ જાણવા છે.
દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ અને મેડીક્લેમ સુવિધા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસવીપી હોસ્પિટલ શરૂ થયા બાદ સુવિધા અનુસાર દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી હોવાની અનેક વખત બુમો ઉઠી હતી.
હાલમાં પણ રોજના હોસ્પિટલમાં સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓ દાખલ થતાં હોવાનું જાણવા મળે છે. જોકે, ખાનગી ડોક્ટરો સાથે કરવામાં આવેલા એમઓયુ બાદ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. બીજી બાજુ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ પોતાના હોસ્પિટલમાં વધુ દર્દીઓ હોય ત્યાર એસવીપીમાં દર્દીઓને દાખલ કરી સારવાર કરી શકશે.SS1MS