મ્યુનિ. કોર્પોરેશન વૃક્ષારોપણનું પણ ખાનગીકરણ કરશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દસ લાખ કરતા વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે. શાસક પક્ષે ર૦રરના વર્ષમાં વૃક્ષારોપણનો ટાર્ગેટ લગભગ બમણો કર્યો છે,
સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ચૂંટાયેલી પાંખ, ઉચ્ચ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરીકો તરફથી લગાવવામાં આવે છે, પરંતુ ખાનગીકરણના રવાડે ચઢેલા મ્યુનિ. તંત્ર દ્વારા વૃક્ષારોપણના કામનું પણ ખાનગીકરણ કરવામાં આવી રહયુ છે
જેના માટે ઝોન દીઠ રૂા.૮૦ લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે. વર્તમાન ટર્મ ના રીક્રીએશન ચેરમેન પીપીપી મોડેલના નામે ૧૦૦ ટકા ખાનગીકરણ કરી જનતાના રૂપિયા બરબાદ કરી રહયા હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે.
મ્યુનિસિપલ સેવાઓ ધીમે ધીમે ખાનગી કોન્ટ્રાકટરોના હાથમાં જઈ રહી છે એકાદ-બે કામ કે જે ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ કરતા હતા તેને પણ કોન્ટ્રાકટરોના હવાલે કરવામાં આવી રહયા છે “વધુ વૃક્ષ વાવો”નું નવુ સુત્ર હવે “વધુ વૃક્ષ વાવો- રૂપિયા કમાઓ” બની રહયુ છે.
મ્યુનિ. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ર૦૧૯, ર૦ર૦ અને ર૦ર૧માં દસ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવ્યા હતા આ રોપા માટે મ્યુનિ. હોદ્દેદારો સ્થાનિક ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ વિવિધ એન.જી.ઓ તરફથી લગાવવામાં આવ્યા હતા તથા તેના જતનની જવાબદારી પણ સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવામાં આવી હતી.
મ્યુનિ. રીક્રીએશન કમીટીના ચેરમેનને મ્યુનિ. હોદ્દેદારો અને ધારાસભ્યો વૃક્ષારોપણ કરે તે યોગ્ય લાગી રહયુ નહતુ તેથી વૃક્ષારોપણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે નિર્ણય કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉ.પ.ઝોન, દ.પ.ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન તથા પૂર્વ ઝોનમાં મીયાંવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવા માટે ઝોન દીઠ રૂા.૭૯.૭૧ લાખ ખર્ચ કરવામાં આવશ.
નોંધનીય બાબત એ છે કે પાંચ ઝોનના કામ માટે ત્રણ કોન્ટ્રાકટરોને કામ સોંપવામાં આવશે જેના માટે તમામ કોન્ટ્રાકટરોએ “એકસરખી રકમ”ના જ ટેન્ડર ભર્યા છે. (નોંધઃ પીપીપી મોડેલની માફક આને સીન્ડીકેટ ગણવી નહી ?) મ્યુનિ. રીક્રીએશન કમીટી સમક્ષ સદ્ર કોન્ટ્રાકટ માટે દરખાસ્ત રજુ કરવામાં આીવ છે જેને મંજુર કરવામાં આવશે
તો દરેક કોન્ટ્રાકટર ઝોન દીઠ રપ હજાર રોપા લગાવી તેનુ જતન કરશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફોરેસ્ટ વિભાગ પાસેથી માત્ર બે લાખ રોપા જ ખરીદ કરવામાં આવે છે મ્યુનિ. નર્સરીમાં પાંચથી સાત લાખ રોપા તૈયાર કરવામાં આવે છે, જયારે પાંચથી છ લાખ રોપા ખુલ્લા બજારમાંથી વિવિધ નર્સરીઓ પાસેથી ખરીદ કરવામાં આવે છે,
આ કામ માટે મ્યુનિ. કમિશ્નરને નાણાકીય સત્તા એ સોંપવામાં આવ્યા બાદ વૃક્ષારોપણ માટે કરવામાં આવેલા ખર્ચની કોઈ જ વિગતો જાહેર થતી નથી તેમજ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ પણ હિસાબ જાહેર કરવામાં આવતા નથી. મ્યુનિ. રીક્રીએશન કમીટી ચેરમેનને પણ ખાનગીકરણનો મોહ વધુ છે
જેના કારણે જે પીપીપી મોડેલના નામે અત્યંત નજીવા દરથી ટેનિસ કોર્ટ ભાડે આપવા તેઓ તત્પર થયા હતા તેવી જ રીતે એક મહીના અગાઉ પ્રજાના પરસેવાની કમાણીમાંથી તૈયાર થનાર વિવિધ કલ્ચર સેન્ટરો પણ વાર્ષિક રૂા.૧પ લાખની બેઝપ્રાઈઝથી આપવા તેમણે મંજુરી આપી છે.
તદ્પરાંત શહેરમાં છેલ્લા દોઢ-બે વર્ષ દરમ્યાન તૈયાર થયેલ અને આગામી સમયમાં તૈયાર થનાર સ્વીમીંગ પુલ પણ પીપીપી મોડેલના નામે ખાનગી કોન્ટ્રાકટરોને આપવા માટે નિર્ણય થયા છે. જાેકે આ તમામ મિલ્કતો મ્યુનિ. જમીન અને રૂપિયાથી તૈયાર થઈ છે તે અલગ બાબત છે.