પ્રિયા બાપટે લાઇફમાં પહેલી વખત લાઇવ કોન્સર્ટમાં પરફોર્મ કર્યું
મુંબઈ, એક્ટ્રેસ પ્રિયા બાપટે તાજેતરમાં પોતાના જીવનનું એક મોટું સપનું સાકાર કર્યું છે. તેણે ઇન્ડિયન ઓશન બૅન્ડ સાથે લાઇવ કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. આ અંગે તેણે કહ્યું,“એ જાદુઈ અનુભવ હતો અને જાણે સપના જેવું લાગતું હતું. હું એક થિએટર એક્ટર છું, તેથી મને સ્ટેજ પર રહેવાની આદત છે. પરંતુ એ એક્ટિંગ છે અને એના માટે હું મહિનાઓ સુધી રિહર્સલ કરું છું, એ મારું રોજનું કામ છે.
આ અલગ અનુભવ હતો, ઓડિયન્સની જે ઘેલછા તમને જોવા મળે એ અલગ સ્તરની હતી.”પ્રિયાએ આગળ જણાવ્યું, “ઓડિયન્સ મને જોવા નહોતું આવ્યું, એ લોકો ઇન્ડિયન ઓશનનો કોન્સર્ટ સાંભળવા આવ્યા હતા. તેથી મારી જવાબદારી વધારે હતી કે હું એમનો અનુભવ ખરાબ ન કરું.
હું થોડી નર્વસ હતી પરંતુ મારી ટીમ અને મારા હસબન્ડે મને સ્ટેજ પર જઇને મજા લેવા સમજાવી. તેમાં પણ સૌથી ડર લાગે એવી વાત હતી, લિરિક્સ, કારણ કે એ પિયુષ મિશ્રાના શબ્દો હતા. તેથી હું થોડી વધારે નર્વસ થઈ ગઈ હતી, પરંતુ ઇન્ડિયન ઓશનની ટીમે બધું સંભાળી લીધું. એ લોકો ખરા રોકસ્ટાર છે.”
પોતાને મળેલી આ તક અંગે પ્રિયાએ કહ્યું કે ગુડગાંવમાં તેની એક મિત્રએ ઇન્ડિયન ઓશનનો શો સાંભળ્યો હતો, જેમાં તેમણે પ્રિયાની એક મરાઠી ફિલ્મનું ગીત પરફોર્મ કર્યું હતું. “અમે લોકો વીડિયો કોલ પર એક વખત મળ્યા અને પછી હું ઇટાલીમાં વેકેશન માટે જતી રહી હતી.
હું જ્યારે પાછી આવી તો મેં એક સ્ટેજ રિહર્સલ કર્યું જે શોના બસ એક કલાક પહેલાં હતું અને હું લાઇવ હતી.”પ્રિયાએ શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી છે. તેણે પાંચ વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂ કરી હતી અને ૬-૭ વર્ષની ઉંમર પછી છૂટી ગઈ હતી.
તેણે કહ્યું, “મને બહુ મજા નહોતી આવતી અથવા તો હું એ વખતે સંગીતનું મૂલ્ય સમજતી નહોતી. તેથી મેં સંગીતને એકબાજુ મુકી દીધું. એક્ટિંગ કરવા લાગી, પણ સંગીત સાવ ભુલાયું નહોતું. મારો દરેક ભાવ સંગીત સાથે જોડાયેલો હોય છે. મારા મરાઠી ઇન્સ્ટ્રીના લોકો જાણે છે કે હું ગાઈ શકું છું, મેં મારા બે ફિલ્મોના ગીતો માટે પ્લેબૅક પણ કર્યું છું, એ ગીતો ઘણા લોકપ્રિય થયાં હતાં.
હાલ હું એક નાટક કરું છું જેમાં મારે લાઇવ ગાવાનું છે, તેથી હું ફરી શાસ્ત્રીય સંગીત શીખી રહી છું. છેલ્લા ત્રણ ચાર મહિનાથી મારો રિયાઝ ફરી શરૂ થઈ ગયો છે.”પ્રિયાને પોતાની ક્ષમતાઓ ચકાસવા માટે સંગીત તરફ જવાની ઇચ્છા છે, તો તેને તક મળે તો વધુ ગાવા માગે છે.SS1MS