USA જવા નીકળેલો પલિયડનો પ્રિત પટેલ તુર્કીમાં પકડાઈ ગયો
અમદાવાદ, ગુજરાતથી ગેરકાયદે રીતે અમેરિકા જનારા લોકો માટે તુર્કી એક મહત્વનો પોઈન્ટ છે. તુર્કી પહોંચ્યા બાદ જ આ લોકોના આગળના પ્રવાસની એજન્ટો ત્યાંના પોતાના માણસોની મદદથી ગોઠવણ કરતા હોય છે. જાેકે, ફેબ્રુઆરીમાં તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ એજન્ટોના સમીકરણ ખોરવાઈ જતાં ઘણા ગુજરાતીઓ હાલમાં પણ તુર્કીમાં ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે એજન્ટો પોતાના ક્લાયન્ટને દિલ્હીથી દુબઈ અને ત્યાંથી તુર્કી મોકલતા હોય છે, આ રૂટમાં થોડા ફેરફાર પણ થઈ શકે, પરંતુ મોટાભાગના લોકોને તુર્કી તો જવું જ પડતું હોય છે. ગુજરાતીઓ જે ડોક્યુમેન્ટ્સ અને વિઝા પર તુર્કી જાય છે તે પણ મોટાભાગે ફેક જ હોય છે.
ગત અઠવાડિયે ગાંધીનગરના એક યુવકને ઈસ્તાંબુલથી દિલ્હી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ યુવક પાસે જે વિઝા હતા તે ફેક હોવાનું ઈસ્તાંબુલ એરપોર્ટ પર તૈનાત સિક્યોરિટી સ્ટાફે પકડી લીધું હતું.
સૂત્રોનું માનીએ તો પલિયડ ગામનો પ્રિત પટેલ નામનો આ યુવક ઈસ્તાંબુલ એરપોર્ટ પર એજન્ટના માણસને નહોતો મળી શક્યો, આ માણસ દ્વારા જ તેને મેક્સિકો મોકલવાનો હતો, પરંતુ તે પહેલા જ તે તુર્કી એરપોર્ટ પર તૈનાત સિક્યોરિટીના હાથમાં આવી જતાં તેને ત્યાંથી જ તાત્કાલિક ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે પણ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે પ્રિત પટેલ નામના યુવકને તુર્કીથી ડિપોર્ટ કરાયો હતો, અને તે જે ફ્લાઈટમાં દિલ્હી આવ્યો હતો તે લેન્ડ થઈ તે સાથે જ તેને ઈમિગ્રેશનના અધિકારીઓને સોંપી દેવાયો હતો. પ્રીત ફેક વિઝા પર તુર્કી ગયો હોવાથી તેને ત્યાં એન્ટ્રી જ નહોતી અપાઈ, અને એજન્ટ કોઈ બીજી વ્યવસ્થા કરે તે પહેલા તો તે પકડાઈ ગયો હતો.
પ્રીતને જે પાસપોર્ટ અપાયો હતો તેના પર કલોલના એક એજન્ટે તુર્કીના ફેક વિઝા સ્ટેમ્પ લગાવી આપ્યા હતા. એજન્ટના પ્લાન અનુસાર, પ્રીત ઈસ્તાંબુલ એરપોર્ટ લેન્ડ થાય ત્યારે ત્યાંથી એજન્ટનો એક માણસ તેને લેવા આવવાનો હતો, અને તેને એરપોર્ટની બાહર કાઢીને આગળની વ્યવસ્થા પણ કરવાનો હતો.
જાેકે, પ્રીતનું કામ જેણે હાથમાં લીધું હતું તે ગાંધીનગરનો એજન્ટ આ વ્યવસ્થા નહોતો કરી શક્યો અને તે દરમિયાન પ્રીત પકડાઈ ગયો હતો. દિલ્હી પોલીસે પ્રીત સામે ઠગાઈ તેમજ બનાવટી દસ્તાવેજ ઉભા કરવાના ગુના હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસના સૂત્રોનું માનીએ તો ગુજરાતના એજન્ટોએ તુર્કીમાં પોતાના ક્લાયન્ટ્સને રહેવા-જમવા માટે વ્યવસ્થા ઉભી કરી છે.
જાેકે, ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપમાં એજન્ટોના આવા અનેક ટ્રાન્ઝિટ હોમ તૂટી પડ્યા હોવાથી તેમની ગણતરી ખોરવાઈ ગઈ છે. આ ગાળા દરમિયાન ઘણા ગુજરાતી તુર્કીમાં ફસાયા છે, જ્યારે અમુક અમેરિકા પહોંચવામાં સફળ પણ રહ્યા છે.
અગાઉ પણ એવા અહેવાલ આવ્યા હતા કે તુર્કીમાં એજન્ટોના સેટિંગ ખોરવાતા તેમણે રૂટ બદલ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં વાયા તુર્કી થઈ અમેરિકા જવા નીકળેલા કેટલાક ગુજરાતીઓના અપહરણ પણ થયા હતા, અને તેમને ટોર્ચર કરીને તેમની પાસેથી રૂપિયાની ડિમાન્ડ કરાઈ હતી. ગુજરાતીઓને બંધક બનાવનારા તુર્કીના માફિયાએ તેમના સંબંધીઓને ફોન કરીને રૂપિયા માગ્યા હતા.
જાેકે, આ મેટર છેવટે એજન્ટોએ જ ગમે તેમ કરીને પતાવી દીધી હતી. ગુજરાતીઓ તુર્કી પહોંચે તે સાથે જ તેમને પોતાની પાસેના પાસપોર્ટ સહિતના દસ્તાવેજાે ફાડીને ફેંકી દેવાના હોય છે. એજન્ટોએ તેમને કઈ રીતે કેમેરા તેમજ સિક્યોરિટી સ્ટાફની નજરમાં ના આવી જવાય તે રીતે પાસપોર્ટ ડિસ્ટ્રોય કરવા તેની સૂચના આપેલી હોય છે.
મોટાભાગે એજન્ટો ગ્રુપમાં જ પોતાના ક્લાયન્ટ્સને અમેરિકા મોકલતા હોય છે, અને તેઓ ફ્લાઈટમાંથી ઉતરી તુર્કી એરપોર્ટના ટર્મિનલમાં પહોંચે તે સાથે જ પહેલું કામ પાસપોર્ટને ફાડીને ફેંકી દેવાનું કરતા હોય છે.
એજન્ટોએ ક્લાયન્ટ્સને આપેલા પાસપોર્ટ પણ મોટાભાગે નકલી જ હોય છે, જેને ફાડીને ફેંકવાનું કારણ એ હોય છે કે જાે કોઈ પકડાઈ જાય તો પણ તેની પાસેથી ડોક્યુમેન્ટ ના મળતા તેની ઓળખ છતી નથી થઈ શકતી.SS1MS